ભારતીયો દુબઈમાં કરી શકશે બે દિવસ મફત રોકાણ: UAEનો નિર્ણય

દુબઈ- ભારતીય પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને સંયુક્ત આરબ અમીરાતે (UAE) એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય મુજબ હવે ભારતીય પ્રવાસીઓને દુબઈમાં બે દિવસ માટે મફત ટ્રાન્ઝિટ વિઝા આપવામાં આવશે.બે દિવસ માટે મફત ટ્રાન્ઝિટ વિઝા મળવાનો મતલબ એ થયો કે જો તમે દુબઈ અને અબુધાબી થઈને વિશ્વના બીજા કોઈ પણ ખૂણે જઈ રહ્યા છો તો તમારે દુબઈમાં 48 કલાકના રોકાણ માટે અહીં એક પણ રુપિયાનો ખર્ચ કરવો નહીં પડે.

એટલું જ નહીં, જો તમે બે દિવસની આ સમય મર્યાદાને વધારવા ઈચ્છો છો, તો તમે એ પણ કરી શકો છો. જેના માટે આપને ફક્ત 50 દિરહામ (આશરે 1 હજાર રુપિયા) ચુકવીને આ સમય મર્યાદાને ચાર દિવસ અટલેકે 96 કલાક સુધી વધારી શકાય છે.

ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે સંયુક્ત આરબ અમીરાતની કેબિનેટે ઉપરોક્ત નિર્ણય લીધો છે. જોકે આ નિયમ ક્યારથી લાગૂ કરવામાં આવશે તેની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. ભારતીય પ્રવાસીઓ ટ્રાન્ઝિટ વિઝાને UAEના બધા જ એરપોર્ટ પરથી પાસપોર્ટ કન્ટ્રોલ હોલના એક્સપ્રેસ કાઉન્ટર્સ પરથી મેળવી શકશે.

મહત્વનું છે કે, UAE પહેલેથી જ ભારતીય પ્રવાસીઓની પસંદ રહ્યું છે. વર્ષ 2017માં 3.60 લાખ ભારતીય પ્રવાસીઓ અબુધાબીની મુલાકાત લીધી હતી. આ સંખ્યા આગલા વર્ષની તુલનામાં 11 ટકા વધારે છે. UAE ઉપરાંત અન્ય બીજા દેશો પણ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે વિઝા નિયમો સરળ બનાવી રહ્યાં છે. આ યાદીમાં ઈઝરાયલ, જાપાન, ઓમાન સહિત અન્ય કેટલાક દેશોનો સમાવેશ થાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]