ઇઝરાયેલમાં કોરોનાના નવા વેરિયેન્ટના બે કેસ મળ્યા

નવી દિલ્હીઃ વિશ્વભરના દેશોમાં કોરોના રોગચાળા કેસોમાં ઉત્તરો ઉત્તર ઘટાડો થઈ રહ્યો છે અને પ્રવાસ અને બિઝનેસની કામગીરી થાળે પડી રહી છે, ત્યારે  ઇઝરાયેલે કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના બે કેસોની પુષ્ટિ કરી છે. આ નવા કોવિડ સ્ટ્રેન કોરોના વાઇરસના ઓમિક્રોન સંક્રમણના BA.1 અને  BA.2નું સંયોજન છે. ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર પહોંચનારા પેસેન્જર્સના PCR ટેસ્ટ કરતાં આ નવા વેરિયેન્ટ માલૂમ પડ્યા હતા. જોકે આ નવા વેરિયેન્ટનું અત્યાર સુધી કોઈ નામ નથી. આ નવા વેરિયેન્ટ વિશ્વમાં હજી અજ્ઞાત છે, એમ ઇઝરાયલના મંત્રાલયે કહ્યું હતું. સરકારે કહ્યું હતું કે આ પેસેન્જરોમાં તાવ, શિરદર્દ અને મસલ્સ ડિસ્ટ્રોફીનાં હળવાં લક્ષણો વિકસિત થયાં હતા. જોકે તેમની હાલત સ્થિર છે.  નવા વેરિયેન્ટથી ઊભા થતાં જોખમો વિશે હાલમાં ચિંતા કરવાની જરૂર નથી, એમ ઇઝરાયેલના રોગચાળાના રિસ્પોન્સ વડા સલમાન ઝરકાએ કહ્યું હતું.

ઇઝરાયેલે જણાવ્યું હતું કે કુલ 9.92 લાખની વસતિમાંથી 40 લાખથી વધુ લોકોને કોરોનાનની રસીના ત્રણ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 8244 લોકોનાં મોત થયાં છે અને આશરે 14 લાખ લોકો કોરોના સંક્રમિત થયા હતા.

ગયા મહિને ઇઝરાયલે ઘોષણા કરી હતી કે રસી નહીં લીધેલા પ્રવાસીઓને પણ કોરોના પ્રતિબંધોમાં છૂટછાટના ભાગરૂપે દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. ઇઝરાયેલ ડિસેમ્બર, 2020માં રાષ્ટ્રીય રસીકરણની ઝુંબેશ શરૂ કરનારા દેશોમાં પહેલો હતો. અગાઉ, ઇઝરાયલે 60થી વધુ વયના લોકોને ચોથો ડોઝ આપવાની જાહેરાત કરી હતી.