વોશિંગ્ટનઃ દુનિયાના સૌથી શક્તિશળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસ સામેના જંગના મામલે સતત ટીકાઓનો સામનો કરી રહ્યા છે. આ વચ્ચે હવે સોશિયલ મીડિયા નેટવર્કિંગ સાઇટ ટ્વિટરે પહેલીવાર ટ્રમ્પને ચેતવણી આપી છે. ટ્વિટરે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમુક ટ્વીટને ફ્લેગ કરીને ફેક્ટ ચેકની વોર્નિંગ આપી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે.ટ્રમ્પે પણ સતત બે ટ્વીટ કરીને ટ્વિટરના આ વલણની ઝાટકણી કાઢી છે. એમણે પહેલા ટ્વીટમાં લખ્યું કે,‘ટ્વિટર હવે 2020ની અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે. તેઓ કહી રહ્યા છે કે મેલ-ઇન-બેલટ્સ અંગે મારું નિવેદન ભ્રષ્ટાચાર અને બોગસ વાતોને જન્મ આપશે. આ ખોટું છે. આ ફેક ન્યૂઝ સીએનએન અને એમેઝોન વોશિંગ્ટન પોસ્ટની ફેક્ટ ચેંકિંગ પર આધારિત છે.’
અન્ય એક ટ્વીટમાં ટ્રમ્પે લખ્યું કે, ‘ટ્વિટર સંપૂર્ણ રીતે બોલવાની આઝાદી પર પ્રહાર કરી રહ્યું છે. એક રાષ્ટ્રપતિ તરીકે હું એવું થવા નહીં દઉં.’
મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકામાં કોરોના વાયરસના મોતના તાંડવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગોલ્ફ રમતા નજરે આવ્યા હતા. તેથી તેમની ઘણી ટીકાઓ થઈ હતી. ત્યાર બાદ ટ્રમ્પે મીડિયા પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે ફેક અને ભ્રષ્ટ ન્યૂઝે આને રજૂ કર્યું છે. માનો કે કોઈ પાપ કર્યું હોય.