વોશિંગ્ટનઃ ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને અફઘાન સરકારના પતન પછી પ્રમુખપદ છોડવા માટે આહવાન કર્યું છે. થોડા સમય પહેલાં અમેરિકી સેનાને પરત બોલાવવાની સાથે તાલિબાને સંપૂર્ણ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે. તાલિબાન દળોએ રવિવારે કાબુલને બંધ કર્યું હતું. તાલિબાને રાજધાની પર કબજો કરવાની સાથે અફઘાનિસ્તાનને ઇસ્લામી અમિરાત જાહેર કર્યું હતું.
ટ્રમ્પે એક ટ્વીટમાં લખ્યું હતું કે આ યોગ્ય સમય છે, જો બાઇડને અફઘાનિસ્તાને જે કંઈ પણ થવા દીધું એના માટે રાજીનામું આપી દેવું જોઈએ. એની સાથે-સાથે અમેરિકામાં કોરોના કેસોમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે, સરહદે વિનાશ, ઊર્જા સ્વતંત્રતાનો વિનાશ અને ખરાબ થતા અર્થતંત્ર પછી બાઇડને રાજીનામું આપવાનો સમય આવી ગયો છે. વળી આ કોઈ મોટી વાત નથી, કેમ કે પહેલી વાર તેઓ કાયદેસર નથી ચૂંટાયા, એમ તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું.
ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખનું આ નિવેદન ત્યારે આવ્યું છે, જ્યારે કાબૂલ એમ્બેસીમાં ડિપ્લોમેટ્સ અને અન્ય અમેરિકી નાગરિકોને એરપોર્ટમાં જવાનો નિર્દેશ આપ્યો હતો અને એરપોર્ટમાં આગ લાગ્યાના રિપોર્ટ પછી તેમને આશ્રય આપવાનો આદેશ આપ્યો હતો. આ ઘટનાક્રમમાં પેન્ટાગોને કાબુલમાં વધારાના 1000 સૈનિકોને મોકલ્યા હતા, જેથી અફઘાનમાં હંગામી અમેરિકી સેનાની સંખ્યા આશરે 6000 સૈનિકો સુધી પહોંચી હતી. ટ્રમ્પે વારંવાર સેનાને પરત બોલાવવા માટે બાઇડન સરકાર પર માછલાં ધોયાં હતાં, તેમણે સેનાને પરત બોલાવવાની શરતોને આધીન હોવી જોઈએ, એમ ટ્રમ્પે કહ્યું હતું.