ટ્રમ્પના ‘દગાબાજ’ ટ્વીટ મામલે પાકિસ્તાને અમેરિકા સમક્ષ વિરોધ નોંધાવ્યો

ઈસ્લામાબાદ – અમેરિકાએ પાકિસ્તાને ‘દગાબાજ’ કહ્યા બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ગઈ કાલે રાતે અમેરિકાના રાજદૂતને બોલાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈ કાલે એક ટ્વીટ કરીને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે છેલ્લા 15 વર્ષથી પાકિસ્તાન અમેરિકાને બેવકૂફ બનાવીને 33 અબજ ડોલરની સહાય મેળવી ચૂક્યું છે અને એના બદલામાં એણે અમને માત્ર જૂઠાણા અને દગાબાજી સિવાય કંઈ આપ્યું નથી. એ અમારા નેતાને બેવકૂફ સમજે છે.

વિદેશ સચિવ તેહમીના જાન્જુઆએ ગઈ કાલે રાતે ડેવિડ હેલને પોતાનાં કાર્યાલયમાં બોલાવ્યા હતા અને પ્રમુખ ટ્રમ્પના ટ્વીટ વિશે ખુલાસો કરવા કહ્યું હતું.

ઉલ્લેખનીય છે અમેરિકા ઘણા લાંબા સમયથી પાકિસ્તાનનું દોસ્ત રહ્યું છે, પણ ટ્રમ્પે ગઈ કાલે અત્યંત તીખા શબ્દોમાં ટ્વીટ કરીને કહ્યું કે હવે પાકિસ્તાનને અમેરિકા પાસેથી કોઈ આર્થિક મદદ નહીં મળે. જે આતંકવાદીઓને અમે અફઘાનિસ્તાનમાં શોધી રહ્યાં છીએ એમને પાકિસ્તાને પોતાને ત્યાં આશ્રય આપ્યો છે. આ સાંખી લેવામાં નહીં આવે.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા એમ. આસિફે મોડી રાતે ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમે ટૂંક સમયમાં જ ટ્રમ્પના ટ્વીટ પર પ્રત્યાઘાત આપીશું. ઈન્શા અલ્લાહ… દુનિયાને સત્યની ખબર પડવી જોઈએ… તથ્યો અને કલ્પનના વચ્ચેનું અંતર છે આ તો…

પાકિસ્તાનના વિદેશ પ્રધાન ખ્વાજા આસિફ

પાકિસ્તાન વિદેશ મંત્રાલયે ગઈ રાતે પાકિસ્તાનસ્થિત અમેરિકી રાજદૂત ડેવિડ હેલને કચેરીએ બોલાવ્યા હતા ટ્રમ્પના ટ્વીટ મામલે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપે છે એવો ભારત પણ અનેક વાર આરોપ મૂકી ચૂક્યું છે, પણ પાકિસ્તાન દર વખતે તેને ઉડાવી દેતું આવ્યું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]