પાકિસ્તાનમાં BLA દ્વારા એક ટ્રેનને હાઈજેક કરવામાં આવી હતી. આ ટ્રેનમાં 500 યાત્રિકો સવાર હતા, જેમાં 450 લોકોને બંધક બનાવી BLAએ રાખ્યા હતા. આ ટ્રેન હાઈજેકને લઈ પાકિસ્તાની સુરક્ષા દળોએ દાવો કર્યો હતો કે બુધવારે રાત્રે 9:30 વાગ્યે હાઇજેકિંગ પૂર્ણ થયું હતું. તેમણે કહ્યું કે 33 બલૂચ લડવૈયાઓ માર્યા ગયા છે. આ કાર્યવાહીમાં કેટલાક બંધકો પણ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે બાકીના બધા બંધકોને મુક્ત કરવામાં આવ્યા છે. આ દરમિયાન, પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે કહ્યું કે આપણા સૈનિકોએ ઘણા બળવાખોરોને નર્કમાં મોકલી દીધા છે.
મીડિયા અહેવાલોની જાણકારી પ્રમાણે પાકિસ્તાની સેનાને ટાંકીને જણાવ્યું છે કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા 27 ફરજ બજાવતા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે બચાવ કામગીરી દરમિયાન 1 સૈનિકનું મોત થયું હતું. ટ્રેનનું હાઈજેક કરનાર બલૂચ લિબરેશન આર્મી (BLA) એ બે દિવસમાં 100થી વધુ પાકિસ્તાની સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે. તેમાંથી 60 લોકોના મોત બુધવારે જ થયા હતા.આ ઓપરેશન લગભગ 36 કલાક ચાલ્યું. પાકિસ્તાની સેનાના અધિકારીએ જણાવ્યું કે 346 બંધકોને બચાવી લેવામાં આવ્યા છે.
સૂત્રો જાણકારી પ્રમાણે BLA એ જેલમાં બંધ બલૂચ કાર્યકરો, રાજકીય કેદીઓ, ગુમ થયેલા વ્યક્તિઓ, આતંકવાદીઓ અને અલગતાવાદીઓની બિનશરતી મુક્તિની માગ કરી છે. સરકારને 48 કલાકનો અલ્ટીમેટમ આપવામાં આવ્યો છે. હુમલાના થોડા કલાકો પછી, પાકિસ્તાની સેનાએ મુસાફરોને મુક્ત કરવા માટે બચાવ કામગીરી શરૂ કરી. લડવૈયાઓ પર ડ્રોન અને હેલિકોપ્ટર દ્વારા હુમલો કરવામાં આવ્યો. પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવીએ કહ્યું કે અમે આવા જાનવરો સાથે સમાધાન કરીશું નહીં જેમણે નિર્દોષ મુસાફરો પર ગોળીબાર કર્યો. પાકિસ્તાની સેનાએ કહ્યું કે તે સવારે 150 બંધકોને અને સાંજ સુધીમાં 190 બંધકોને મુક્ત કરશે. BLA એ આ હુમલામાં 100 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો. જોકે, સેનાએ હજુ સુધી આટલા બધા મોતની પુષ્ટિ કરી નથી.
