ડેન્માર્કના શોપિંગ મોલમાં ગોળીબારઃ ત્રણનાં મોત, અનેક લોકો ઘાયલ

કોપનહેગનઃ ડેન્માર્કની રાજધાની કોપનહેગન સ્થિત શોપિંગ મોલમાં થયેલા ગોળીબારમાં ત્રણ લોકો માર્યા ગયા છે અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એ મોલ દેશના સૌથી મોટાં શોપિંગ સેન્ટરોમાંનો એક છે. પોલીસે આ મામલે એક 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. રાજધાનીના એરપોર્ટ નજીક ફીલ્ડ્સ શોપિંગ મોલમાં રવિવારે થયેલા ફાયરિંગ પછી પોલીસે કેટલાય લોકોને ગોળી વાગી હોવાનું ટ્વીટ કરીને જણાવ્યું હતું. જોકે પોલીસે વધારાની કોઈ માહિતી નહોતી આપી.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે શહેરના એરપોર્ટ નજીક અમેગર જિલ્લાના ફીલ્ડ શોપિંગ મોલમાં ગોળીબારને મામલે એક 22 વર્ષીય ડેનિશ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું હતું કે આ શોપિંગ મોલમાં થયેલા ગોળીબારને કારણે કેટલાય લોકોને ગોળીઓ વાગી છે. આ આતંકવાદી ઘટના છે, જેનો ઇનકાર કરી શકાય એમ નથી, એમ ડેન્માર્કે પોલીસે કહ્યું હતું. આ ગોળીબારની ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં ડેન્માર્કના વડા પ્રધાન મેટે ફ્રેડરિક્સને કહ્યું હતું કે આ ઘટના સમજની બહાર છે. એ દિલને હચમચાવનારી ઘટના છે.

કોપનહેગનના મેયર સોફી એચ એન્ડરસને ટ્વીટ કરીને ફીલ્ડસમાં ફાયરિંગ થવાની માહિતી આપી હતી. મોલમાં હાજર રહેલી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે ગોળીબારના ત્રણ-ચાર અવાજ સાંભળ્યા હતા, એ પછી ત્યાં જીવ બચાવવા લોકો આમતેમ ભાગી રહ્યા હતા. ત્યાં ચીસો અને બૂમો પાડવાના અવાજ આવતા હતા. ત્યાર બાદ મોલની બહાર હથિયારોથી લેસ પોલીસ કર્મચારી અને ફાયરબ્રિગ્રેડનાં વાહનો પહોંચી ગયાં હતાં.