USના ઇલિનોઇસમાં પરેડમાં ગોળીબારઃ છનાં મોત, 31 લોકો ઘાયલ

શિકાગોઃ અમેરિકામાં ચોથી જુલાઈએ ફ્રીડમ પરેડમાં ગોળીબાર થતાં કમસે કમ છ લોકોનાં મોત થયાં અને 31 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઇલિનોઇસ પ્રાંતના શિકાગો શહેરના ઉપનગર હાઇલેન્ડ પાર્કમાં બની છે. હુમલાખોરોએ કોઈ બિલ્ડિંગની છત પરથી પરેડ માર્ગ પર ફાયરિંગ કર્યું હોવાની આશંકા છે. આ દુર્ઘટના બનતાં લોકોએ જીવ બચાવવા અહીંતહીં ભાગતા જોવા મળ્યા હતા. અધિકારીઓએ પત્રકાર પરિષદમાં છ લોકો માર્યા ગયા હોવાની અને 24 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પુષ્ટિ કરી છે.

આ ગોળીબારની ઘટનામાં 22 વર્ષીય યુવક રોબર્ટ ઇ ક્રિમોને હિરાસતમાં લેવામાં આવ્યો છે. એ બોબી નામે પણ જાણીતો છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FIB) અને પોલીસને આશંકા છે કે રોબર્ટે ગોળીબાર કર્યો હતો. ક્રિમો 2010 મોડલની સિલ્વર હોન્ડા ચલાવે છે, એમ પોલીસ અધિકારીઓએ કહ્યું હતું.

ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં થયેલી ગોળીબારની ઘટના પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે આ સ્વતંત્રતા દિવસે અમેરિકામાં ફરીથી મૂર્ખતાપૂર્ણ બંદૂક હિંસાથી સ્તબ્ધ છું. મેં શૂટરની તત્કાળ શોધમાં મદદ માટે ફેડરલ એન્ફોર્સમેન્ટને આદેશ આપ્યા છે. તેમણે કહ્યું હતું કે મેં હાલમાં કાયદામાં 30 વર્ષોમાં પહેલા મુખ્ય દ્વિદળીય બંદૂક સુધાર કાયદા પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં એવાં કાર્યો સામેલ છે, જે જીવન બચાવશે.

સ્થાનિક મિડિયા અનુસાર સવારે 10 કલાકે પરેડ શરૂ થઈ હતી. ત્યાર બાદ 10 મિનિટ પછી ફાયરિગને પગલે પરેડ રોકવી પડી હતી.