આ દેશોમાં મહિલાને હાર્ટ ઈમોજી મોકલનારે ખાવી પડે છે જેલની હવા

રિયાધઃ સોશિયલ નેટવર્કિંગ અને મેસેજિંગ એપ વોટ્સએપ પર લોકો એકબીજાને વિવિધ પ્રકારનાં ઈમોજી મોકલે છે તે સામાન્ય બાબત છે. પરંતુ, અમુક દેશ એવા છે જ્યાં મહિલાઓને હાર્ટ ઈમોજી મોકલનારને કરવામાં આવે છે જેલની સજા. આ દેશ છે કુવૈત અને સાઉદી અરેબિયા. ત્યાં મહિલાઓને દિલનું ઈમોજી મોકલવાને ગુનો ગણવામાં આવે છે અને બે વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

ગલ્ફ ન્યૂઝના અહેવાલ અનુસાર, કોઈ પણ છોકરી કે મહિલાને સોશિયલ મિડિયા વેબસાઈટ કે વોટ્સએપ પર હાર્ટ ઈમોજી મોકલવું ગુનો ગણાશે અને આરોપી પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. એક કુવૈતી વકીલે કહ્યું છે કે જેમની પર આરોપ મૂકાશે તેણે દંડ પેટે 2,000 કુવૈતી દીનાર ચૂકવવા પડશે અને સાથોસાથ બે વર્ષ સુધીની જેલની સજા પણ ભોગવવી પડશે.

સાઉદી અરેબિયામાં તો આ ગુનાની શિક્ષા વધારે કડક છે. જે લોકો આ ગુના માટે દોષી ઠરે એમને એક લાખ સાઉદી રિયાલનો દંડ કરાય છે અને પાંચ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ છે. સાઉદીમાં સાઈબર ક્રાઈમ નિષ્ણાતોનું કહેવું છે કે આ દેશમાં વોટ્સએપ પર કોઈ પણ છોકરીને લાલ રંગનું હાર્ટ મોકલવું એ તેની પર અત્યાચાર ગણવામાં આવે છે. વળી, જો કોઈ વ્યક્તિ આવો ગુનો ફરીવાર કરે તો એને પાંચ વર્ષની જેલની સજા અને 3 લાખ સાઉદી રિયાલનો દંડ કરાય છે.