અમેરિકાના વિશેષ દૂત પાકિસ્તાન નહીં, ભારત આવશે

વોશિંગ્ટનઃ અમેરિકાના જો બાઇડન વહીવટી તંત્રએ પાકિસ્તાનને આંચકો આપ્યો છે. જળવાયુ પરિવર્તન પર અમેરિકી પ્રમુખના વિશેષ દૂત જોન કેરી ભારત, બંગલાદેશની મુલાકાત લેશે, પણ તેઓ આ મહાસંકટથી સૌથી વધુ ઝઝૂમી રહેલા દેશોમાં પાકિસ્તાન નહીં જાય. પ્રાપ્ત માહિતી અનુસાર કેરી જળવાયુ સંકટ પર ચર્ચા કરવા માટે એકથી નવ એપ્રિલની વચ્ચે ભારત, બંગલાદેશ અને યુએઈની મુલાકાતે જશે.

કેરી પાકિસ્તાન નહીં આવે અને જળવાયુ પરિવર્તન શિખર સંમેલનમાં ઇમરાન ખાનને આમંત્રણ નહીં મળવાથી કેટલાય લોકોનાં ભવાં ચઢ્યાં છે. દક્ષિણ એશિયા મામલાના અમેરિકી વિશ્લેષક માઇક કુગેલમેને કહ્યું હતું કે પહેલા પાકિસ્તાનને વ્હાઇટ હાઉસને વૈશ્વિક જળવાયુ પરિવર્તન શિખર સંમેલનમાં આમંત્રણ નથી આપવામાં આવ્યું. હવે અમેરિકાના જળવાયુ દૂત જોન કેરી ચર્ચા માટે ભારત અને બંગલાદેશ જવાના છે, પણ પાકિસ્તાન નથી જવાના.

અમેરિકી વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે 22-23 એપ્રિલ જળવાયુ પરિવર્તન પર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા આયોજિત નેતાઓના શિખર સંમેલન અને આ વર્ષના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલન (CoP26)થી પહેલાં કેરી આ મુદ્દે વિચારવિમર્શ કરવા માટે આ દેશોની મુલાકાત લેશે. કેરીએ ટ્વીટ કર્યું હતું કે જળવાયુ સંકટથી લડવા માટે અમીરાત, ભારત અને બંગલાદેશમાં મિત્રો સાથે સાર્થક ચર્ચા માટે ઉત્સાહિત છું.

અમેરિકાના પ્રમુખ જો બાઇડને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના 40 નેતાઓ જળવાયુ પરિવર્તનથી લડવા માટે આયોજિત થનારા નેતાઓના શિખર સંમેલન માટે આમંત્રિત કર્યા છે. આ સંમેલનમાં 17 દેશ ભાગ લેશે, જે વૈશ્વિક સ્તરે 80 ટકા ઉત્સર્જન માટે જવાબદાર છે અને વૈશ્વિક જીડીપીમાં તેમની 80 ટકા હિસ્સો છે.