સેનાનો-પ્રકોપઃ 550 લોકોનાં મોત, 2800 લોકોની ધરપકડ

મ્યાનમારઃ મ્યાનમારમાં એક ફેબ્રુઆરી, 2021થી સેનાના તખતાપલટા પછીથી સેનાની ક્રૂરતા જારી છે. સેનાના તખતાપલટાની વિરુદ્ધ વિરોધ-પ્રદર્શનોને દબાવી રહેવા માટે મ્યાનમારની સેનાની સરકાર લોહીની હોળી રમી રહી છે. એક માનવાધિકાર સંગઠને દાવો કર્યો હતો કે સેનાની કાર્યવાહીમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા વધીને 550 થઈ ગઈ છે, જેમાં 46 બાળકો પણ સામેલ છે.  

માનવાધિકાર સંગઠન એસિસ્ટન્ટ એસોસિયેશન ફોર પોલિટિકલ પ્રિઝનર્સે કહ્યું હતું કે માર્યા ગયેલા  લોકોમાં 46 બાળકો પણ સામેલ છે, જેમની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. માનવાધિકાર સંગઠને કહ્યું હતું કે મ્યાનમારમાં અત્યાર સુધી 2751 લોકોની ધરપકડ કરવામાં આવી છે અથવા તો તેમને સજા સંભળાવવામાં આવી છે.

અહેવાલ મુજબ મ્યાનમારમાં સેના વિરોધને સખતીથી દબાવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના દૂતે હજી વધુ હિંસાની આશંકા છે. દેશના સીમાંત વિસ્તારોમાં સેના અને નસલીય અલ્પસંખ્યક જૂથની વચ્ચે સંઘર્ષ તેજ થયો છે. મ્યાનમારની સેના લોકતાંત્રિત રૂપથી ચૂંટાયેલી સરકારને ફરીથી બહાલ કરવાની માગ કરી રહેલાં પ્રદર્શનોને દબાવી દેવામાં નિષ્ફળ રહી છે. થાઇલેન્ડના વડા પ્રધાને એ વાતનો ઇનકાર કર્યો છે કે દેશના સુરક્ષા દળોએ મ્યાનમારમાં હવાઈ હુમલાથી બચીને આવેલા લોકોને પરત મોકલી દીધા છે. તેમની સરકાર સંઘર્ષથી બચીને આવેલી કોઈ પણ વ્યક્તિને શરણ આપવા તૈયાર છે. માનવાધિકાર જૂથોએ કહ્યું હતું કે થાઇલેન્ડની સેનાએ હજ્જાતો લોકોને પરત મોકલવાનું શરૂ કર્યું છે.

વાયરલેસ બ્રોડબેન્ડ સેવાઓ બંધ

મ્યાનમારમાં સેનાના આદેશ પર વાયરલેસ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવામાં આવી છે. દેશની કમાન સેનાના હાથોમાં ચાલ્યા જતાં દેખાવકારોએ વિરોધ સતત જારી રાખ્યો છે. લોકલ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર ઓરેડુએ ઓનલાઇન પોસ્ટમાં કહ્યું હતું કે મ્યાનમારમાં કોમ્યુનિકેશન મંત્રાલય દ્વારા જારી થયેલા નિર્દેશમાં પણ બધી વાયરલેસ બ્રોડબેન્ડ સેવાઓ અસ્થાયી રૂપે બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]