કોલંબોઃ શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટને કારણે કોલંબોના સુપર માર્કેટમાં ખાદ્ય પદાર્થો અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ ઝડપથી ખતમ થઈ રહી છે. સંકટગ્રસ્ત શ્રીલંકામાં લોકો રાંધણ ગેસ, કેરોસીન, ગેસોલિન, સાકર, દૂધ પાઉડર અને દવાઓ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે લાંબી લાઇનમાં ઊભા રહે છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ જણાવ્યાનુસાર આશરે 23 લાખ બાળકો સહિત 57 લાખ શ્રીલંકનવાસીઓને તત્કાળ માનવીય મદદની જરૂર છે.
ચાઇના સેન્ટ્રલ ટેલિવિઝનના જણાવ્યાનુસાર કોલંબોમાં સુપરમાર્કેમાં કેટલીય રેક ખાલી છે. દૈનિક ચીજવસ્તુઓ જેવી કે ઇંડા અને બ્રેડનો સપ્લાય ઓછો થઈ રહ્યો છે, કેમ કે પડતર ખર્ચ ઝડપથી વધી રહ્યો છે.
સ્થાનિક રહેવાસી નુવાનએ જણાવ્યું હતું કે આ વર્ષે ફ્યુઅલની કિંમતોમાં વધારાને કારણે ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટની કિંમતો આકાશે આંબી રહી છે. ખાદ્ય પદાર્થોની અછત સિવાય ફ્યુઅલની પણ ગંભીર અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ ખરાબ રીતે પ્રભાવિત છે, કેમ કે છેલ્લા બે મહિનામાં અમને 10થી 12 લિટર ફ્યુઅલ મળ્યું છે. આટલું ફ્યુઅલ વ્યક્તિગત જીવનને જ પૂરું કરી શકે છે. હું મારો વેપાર-ધંધો કેવી રીતે કરી શકું?
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામમાં કહેવામાં આવ્યું છે કે શ્રીલંકાની 28 ટકાથી વધુ વસતિ ખાદ્ય સંકટથી ઝઝૂમી રહી છે. શ્રીલંકા ખાદ્ય પદાર્થો સિવાય વિદેશી કરન્સીથી પણ ગંભીર રીતે ઝઝૂમી રહી છે. શ્રીલંકન સરકાર જરૂરી આયાત બિલ પણ ચૂકવવામાં અસમર્થ છે.