સ્ટેન્ડ-અપ કોમેડિયન પૌલ ચૌધરી પર લંડનમાં હુમલો

લંડનઃ ભારતીય મૂળનો અંગ્રેજી કોમેડિયન  પૌલ ચૌધરી મધ્ય લંડનમાં એની કારમાં જતો હતો ત્યારે કેટલાક ઠગ લોકોએ એની પર હુમલો કર્યો હતો. એક અખબારી અહેવાલ અનુસાર, લંડનમાં જન્મેલો 47 વર્ષીય કોમેડિયન લંડનની ન્યૂ ઓક્સફર્ડ સ્ટ્રીટમાં હતો ત્યારે એની પર હુમલો કરાયો હતો. ભારતીય પંજાબ શીખ મૂળના પૌલનું સાચું નામ તેજપાલસિંહ ચૌધરી છે.

વાસ્તવમાં, પૌલ ચૌધરી પર હુમલો કરાયો હતો એ ઘટના એના કોઈક ઓળખીતાએ દૂરથી જોઈ હતી. એમણે બાદમાં પૌલને સોશ્યલ મીડિયા પર મેસેજ મોકલ્યો હતો કે, ‘હેય પૌલ, ગયા શુક્રવારે ન્યૂ ઓક્સફર્ડ સ્ટ્રીટ પર શું તારી પર બદમાશોએ હુમલો કર્યો હતો? એ જોઈને મેં થોડેક દૂર ઊભેલા પોલીસને જાણ કરીને એ સ્થળે મોકલ્યા હતા, પણ મને લાગે છે કે તું ત્યાં સુધીમાં ત્યાંથી નીકળી ગયો હતો.’

પૌલે જવાબમાં લખ્યું છે કે, ‘હા, ગઈ કાલે હું મારી કારમાં હતો ત્યારે મારી પર હુમલો કરાયો હતો. હું ઠીક છું.’ પૌલ ચૌધરી બ્રિટનનો સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. 2017માં એણે વેમ્બ્લી અરીનામાં સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યો હતો. એ શ્રેય મેળવનાર તે પહેલો જ બ્રિટિશ-ભારતીય સ્ટેન્ડ-અપ કોમેડિયન છે. 2020માં એ ટીવી સિરિયલ ‘ડેવિલ્સ’માં ચમક્યો હતો.