વોશિંગ્ટનઃ અમેરિકામાં નવા પ્રમુખની ચૂંટણીમાં ઊંચા મતદાન પછી મતોની ગણતરી ક્યારની શરૂ થઈ ગઈ છે. ડેમોક્રેટિક પાર્ટીના જૉ બાઈડન સરસાઈમાં છે. એમણે કેલિફોર્નિયા રાજ્યમાં પણ જીત હાંસલ કરી છે. અત્યાર સુધીમાં એમણે 223 ઈલેક્ટોરલ વોટ્સ હાંસલ કર્યા છે જ્યારે વર્તમાન પ્રમુક અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 204 ઈલેક્ટોરલ વોટ્સ હાંસલ કર્યા છે. ઇન્ડિયાના અને કેન્ટુકી રાજ્યોમાં પણ ટ્રમ્પની જીત થઈ છે. બાઇડન વેરમોન્ટમાં વિજયી થયા છે. સૌથી વધુ ખરાખરીનો જંગ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યો- ફ્લોરિડા, જ્યોર્જિયા અને નોર્થ કેરોલિનામાં છે. પ્રારંભિક પરિણામોમાં ફ્લોરિડામાં ટ્રમ્પ અને બાઇડન વચ્ચે કાંટાની ટક્કર છે.
ફ્લોરિડામાં અત્યાર સુધી 80 મતોની ગણતરી થઈ ચૂકી છે અને ટ્રમ્પ અને બાઇડન વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. આ મુકાબલામાં બધાની નજર ફ્લોરિડા પર ચોંટેલી છે. જોકે આ રાજ્ય ટ્રમ્પના ખાતામાં જાય એવી શક્યતા છે. વર્ષ 2016માં પણ ફ્લોરિડામાં ટ્રમ્પ જીત્યા હતા. ચૂંટણીની દ્રષ્ટિએ ત્રણ મહત્ત્વપૂર્ણ રાજ્યો- જ્યોર્જિયા, ઓહિયો અને નોર્થ કેરોલિનામાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે અને અહીં પણ ખરાખરીનો જંગ છે.
ફ્લોરિડાનું ચૂંટણી પરિણામ ફરી એક વાર અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પસંદ કરવામાં અગત્યની ભૂમિકા ભજવશે. વર્ષ 2016માં ટ્રમ્પ અહીંથી માત્ર એક ટકા મતોથી જીતી ગયા હતા. ટ્રમ્પ ખુદને ફ્લોરિડાના નાગરિક ગણાવે છે. તેમણે ઓક્ટોબરમાં ફ્લોરિડા જઈને મતદાન કર્યું હતું. જોકે ચૂંટણીપ્રચાર દરમ્યાન બંને ઉમેદવારોએ એકબીજા પર ભારે આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા હતા.
ફ્લોરિડામાં ટ્રમ્પ અને બાઇડનમાં કાંટાની ટક્કર ચાલુ છે. ટ્રમ્પ અહીં બે પોઇન્ટથી લીડ કરી રહ્યા છે. અહીં 29 ઇલેક્ટોરલ મત છે અને બંને માટે આ રાજ્ય જીતવું બહુ જરૂરી છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ટેનેસી, સાઉથ કેરોલિના અને ઓકલાહોમામાં જીત મેળવી છે. ઓકલાહોમામાં સાત ઇલેક્ટોરલ વોટ છે અને 2016માં ટ્રમ્પે અહીંથી સરળ જીત મેળવી હતી.