US બોર્ડરે મૃત્યુ પામેલા ચારે જણ ડિંગુચાના રહેવાસી

ન્યુ યોર્કઃ યુએસ-કેનેડા બોર્ડર પર મૃત્યુ પામેલા ચારે ભારતીયોની ઓળખ થઈ ગઈ છે. આ પરિવાર કેટલોક સમય દેશમાં ફર્યો હતો અને એ પછી તેમને માનવ તસ્કરીને કારણે સરહદે લઈ જવામાં આવ્યો હતો, એમ કેનેડાના અધિકારીઓએ કહ્યું હતું.  

કેનેડાના અધિકારીઓએ ચારે મૃતદેહોની ઓળખ કરી લીધી છે. તેમનાં નામ જગદીશ બળદેવભાઈ પટેલ (ઉંમર-39), વૈશાલીબહેન જગદીશકુમાર પટેલ (ઉંમર-37), વિહંગી જગદીશકુમાર પટેલ( ઉંમર-11) અને ધાર્મિક જગદીશકુમાર પટેલ (ઉંમર-ત્રણ) છે.

કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવા જતાં ભારે ઠંડીને કારણે થીજી જવાથી મૃત્યુ પામેલી એક બાળક સહિતનીચારેય વ્યક્તિ ગુજરાતના ડિંગુચા ગામની હોવા અંગેની પુષ્ટિ કેનેડાની મનિટોબાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે (RCMP) કરી છે. આ વિશેની માહિતી તેણે ભારતના હાઈ કમિશનને આપી છે.

પોલીસે જણાવ્યું હતું કે અમેરિકા-કેનેડાની બોર્ડર નજીક મનિટોબાના ઇમર્સન વિસ્તારમાંથી બે બાળક અને બે આધેડના મૃતદેહો મળી આવ્યા હતા. કેનેડામાંથી અમેરિકામાં ઘૂસવા જઈ રહેલા આ ગુજરાતી પરિવારના સભ્યોનાં ઠંડીમાં થીજી જવાથી મૃત્યુ થયાં હતાં.

ડિંગુચા ગામ છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે અને બદનામી વહોરી રહ્યું છે. આ ગામના ચાર સભ્યોનો પરિવાર ગેરકાયદે રીતે કેનેડાથી યુએસમાં પ્રવેશ કરવાનો હતો, પરંતુ તે પહેલાં જ ઠંડીમાં ઠૂંઠવાઈને કેનેડાની સરહદે મૃત્યુ પામ્યો હતો. આ ગામના લોકોમાં વિદેશમાં વસવાની ગાંડી ઘેલછા છે. 7000ની વસતિ ધરાવતા ડિંગુચાની લગભગ અડધી વસ્તી કેનેડા, યુએસ અને યુકે જેવા દેશોમાં જઈને વસી છે.