નવાજુદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં સપનાનું ‘આલીશાન’ ઘર બનાવ્યું

મુંબઈઃ બોલીવૂડમાં એક્ટિંગની કેરિયર શરૂ કરનાર દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે આ માયાનગરીમાં એક સપનાનો મહેલ બનાવે. બોલીવૂડ એક્ટર નવાજુદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં જે ઘર ખરીદ્યું છે, એ સપનાનું આલીશાન ઘર છે. મુંબઈમાં શાનદાર સફેદ મેન્શનના માલિક છે નવાજુદ્દીન. મુઝફ્ફરનગર-બુઢાનાના રહેવાસી નવાજુદ્દીને મુંબઈમાં લક્ઝુરિયસ ઘર ખરીદ્યું છે, જેના ફોટો ઝડપથી સોશિયલ મિડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. બોલીવૂડમાં એક દાયકાની ઇનિંગ્સ રમી ચૂકેલા નવાજુદ્દીનને આ બંગલાના સમારકામમાં ત્રણ વર્ષનો સમય લાગ્યો છે. નવાજુદ્દીનનું આ નવું ઘર તેમના ગામ બુઢાનાવાળા ઘર જેવું જ છે. તેમણે આ શાનદાર ઘરનું નામ પિતાના નામે ‘નવાબ’ રાખ્યું છે. તેમના પિતાનું નામ નવાબુદ્દીન સિદ્દીકી છે. ચોતરફ સફેદ રંગથી બનેલા આલીશાન બંગલામાં ઘણી મોકળાશ છે.

આવનારા દિવસોમાં તેઓ ઘણા વ્યસ્ત છે આ સમયે તેઓ કંગના રણોતની ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’ને લઈને વ્યસ્ત રહેવાના છે. સાંઈ કબીર નિર્દેશિત આ ફિલ્મમાં તેમની સામે અવનીત કૌર છે.

આ સિવાય નવાઝની પાસે કેટલીક ફિલ્મો છે, જેમાં ‘હીરોપંતી 2’ પણ સામેલ છે. ટાઇગર શ્રોફની આ ફિલ્મમાં નવાબ નેગેટિવ રોલમાં નજરે ચઢશે. તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમની પાસે 2022માં ચાર-પાંચ ફિલ્મો છે, જે રિલીઝ થવા તૈયાર છે અને આ વર્ષ તેમનું ઘણું વ્યસ્ત રહેવાનું છે. તેમણે કહ્યું હતું કે ગ્લેમર ઇન્ડસ્ટ્રીઝમાં નકલીપન પર ટિપ્પણી કરી હતી. હું ના તો નકલી ફિલ્મોમાં કામ કરું છું અને ના તો મારું કોઈ નકલી વલણ છે.