શ્રીલંકામાં ટેરર બોમ્બ ધડાકાઓની જવાબદારી આતંકવાદી ISIS સંગઠને લીધી

કોલંબો – ગયા રવિવારે શ્રીલંકામાં આતંકીઓ દ્વારા ચર્ચ તેમજ લક્ઝરી હોટેલ્સ ઉપર કરાયેલા અતિ ઘાતક બોમ્બ વિસ્ફોટો કે જેમાં 321 જેટલાં લોકો માર્યા ગયા છે, તે હુમલાઓની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે લીધી છે.

આઈએસઆઈએસ સંગઠને પોતાના પ્રચાર માટે રોકેલી અમાક્ એજેન્સીએ જાહેર કર્યું છે કે, ‘શ્રીલંકામાં બોમ્બ ધડાકા કરનાર ગુનેગાર આતંકવાદીઓ આઈએસઆઈએસના માણસો હતા. આ આત્મઘાતી મારાઓએ અમેરિકાની આગેવાની હેઠળના મિત્ર દેશોના નાગરિકોને તથા શ્રીલંકાના ખ્રિસ્તીઓને ટાર્ગેટ કર્યાં હતા.’

શ્રીલંકાના પ્રધાનનો દાવોઃ આ હુમલો ક્રાઈસ્ટચર્ચ મસ્જિદ હુમલાના વેરની વસૂલાત

શ્રીલંકાની પાર્લામેન્ટમાં નાયબ સંરક્ષણ પ્રધાન રૂવન વિજેવર્દીનેએ આજે જાહેર કર્યું હતું કે, પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચમાં થોડા અઠવાડિયા અગાઉ મસ્જિદોમાં કરાયેલા ઘાતકી હુમલાઓની વેરની વસુલાત રૂપે શ્રીલંકામાં હુમલા કરવામાં આવ્યા છે. ક્રાઈસ્ટચર્ચ હુમલાઓમાં 50 જણ મૃત્યુ પામ્યા હતા. એ હુમલાઓનો ઈસ્લામિક ઉગ્રવાદીઓએ બદલો લીધો છે.

આઈએસઆઈએસના આત્મઘાતીઓએ ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ઈસ્ટર નિમિત્તે રવિવારે ચર્ચમાં જમા થયેલા લોકો તેમજ હોટેલોમાં રોકાયેલા વિદેશી સહેલાણીઓને ટાર્ગેટ કરીને શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યાં હતા. જેમાં 321 જણ માર્યા ગયા છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે. 374 જેટલાં લોકો હજી હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]