સિધૂ મૂસેવાલા હત્યા-કેસઃ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં ધરપકડ

ન્યૂયોર્કઃ ગઈ 29 મેએ પંજાબના માનસા જિલ્લાના માનસા શહેરમાં જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે પંજાબી ગાયક અને કોંગ્રેસ પાર્ટીના નેતા સિધૂ મૂસેવાલા હત્યા કેસના સૂત્રધાર મનાતા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં ધરપકડ કરવામાં આવી છે. ગોલ્ડી ભારતમાં સક્રિય ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો નિકટનો સાથી છે. રૉ, આઈબી, દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ અને પંજાબ ઈન્ટેલિજન્સ સહિત સત્તાવાળાઓની નિકટના સૂત્રોના જણાવ્યા મુજબ, ગોલ્ડીને કેલિફોર્નિયામાં પકડી લેવામાં આવ્યો હોવાની એમને માહિતી મળી છે. ગોલ્ડી બ્રારનું ખરું નામ સતિન્દરજીત સિંહ છે. એ પંજાબના શ્રી મુક્તસર સાહિબ શહેરનો વતની છે, પણ 2017માં એ સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં ઘૂસવામાં સફળ થયો હોવાનું મનાય છે. ત્યાંથી જ એ પોતાની ગેંગસ્ટર તરીકેની પ્રવૃત્તિઓ ચલાવતો હતો.

જોકે કેલિફોર્નિયાના સત્તાવાળાઓ તરફથી હજી સુધી આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. શુભદીપ સિંહ સિધૂ ઉર્ફે સિધૂ મૂસેવાલાની હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી અને દાવો કર્યો હતો કે એણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના કહેવાથી મૂસેવાલાની હત્યા કરી હતી. તેથી એને પકડવા માટે ભારતીય સત્તાવાળાઓ તત્પર હતા. સિધૂ મૂસેવાલાના હત્યારા ગેંગસ્ટર ગોલ્ડી બ્રારને પકડવા માટે સિધૂના પિતા બલકૌરસિંહે પોતાના પૈસે રૂ. બે કરોડના ઈનામની જાહેરાત કરી હતી. એમણે અમૃતસરમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ‘જે કોઈ ગોલ્ડી બ્રારને પકડવામાં મદદ કરશે, એને હું મારા ખિસ્સામાંથી બે કરોડ રૂપિયાનું ઈનામ આપીશ. એ મારા દીકરાનો અસલી હત્યારો છે.’ એમણે પંજાબ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકાર ગેંગસ્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઢીલ શા માટે બતાવી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]