શેખ હસીના ફરી બંગલાદેશ પરત ફરશેઃ સજીબ વાજેદ

નવી દિલ્હીઃ વડા પ્રધાનપદથી રાજીનામું આપ્યા પછી બંગલાદેશથી ભારત પહોંચેલાં શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદ જોયે કહ્યું હતું કે બંગલાદેશમાં લોકતંત્ર બહાલ થયા પછી તેમની માતા દેશમાં પરત ફરશે. તેમણે કહ્યું હતું કે તેમના દેશમાં અશાંતિ ફેલાવવામાં પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIનો હાથ છે.

તેમણે માતાની સુરક્ષા માટે વડા પ્રધાન મોદી અને સરકાર પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ભારતને આંતરરાષ્ટ્રીય એકમત બનાવવામાં મદદ કરવામાં ને બંગલાદેશમાં લોકશાહી સ્થાપવા માટે દબાણ બનાવવાની અપીલ કરી હતી. શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદે તેમની બાંગ્લાદેશની રાજકારણમાં વાપસીના સંકેત આપ્યા છે. એક વિડિયો મેસેજથી સજીબ વાજેદે કહ્યું હતું કે અમારો પરિવાર રાજકારણમાં વાપસી કરશે નહીં, પરંતુ અમારા નેતાઓ અને કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે તો અમે ચૂપ બેસીશું નહીં.

તેમણે પાર્ટીના નેતાઓને મજબૂતીથી ઊભા થવાની અપીલ કરતાં કહ્યું હતું કે આવામી લીગ ખતમ થઈ નથી. આ સૌથી મોટી લોકતાંત્રિક રાજકીય પાર્ટી છે. અવામી લીગનો નાશ કરવો સરળ હશે નહીં. અવામી લીગ વિના નવું લોકતાંત્રિક બંગલાદેશ બનાવવું શક્ય નથી. અમે તમારી સાથે છીએ. શેખ હસીના મર્યા નથી. અમે બંગબંધુનો પરિવાર છીએ. અમે ક્યાંય ગયા નથી. દેશ અને આવામી લીગને બચાવવા માટે દરેક શક્ય પ્રયત્ન કરીશું.  અત્યારે દેશની કમાન જે કોઈ પણના હાથમાં છે, હું તેમને કહેવા માગું છું કે અમે પણ આતંકવાદમુક્ત બંગલાદેશ ઈચ્છીએ છીએ. આ માટે અમે ગમે તેની સાથે વાતચીત શરૂ કરવા માટે તૈયાર છીએ, એમ તેમણે કહ્યું હતું.