અમેરિકાની સરકારમાં જવાબદારીનો ગંભીર અભાવ પ્રવર્તે છે: કાશ પટેલ

વોશિંગ્ટનઃ ભારતીય-અમેરિકન એટર્ની (વકીલ) અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારના ભૂતપૂર્વ અધિકારી  કશ્યપ પ્રમોદ ‘કાશ’ પટેલનું કહેવું છે કે અમેરિકાની સરકારમાં જવાબદારીનો ગંભીર અભાવ પ્રવર્તે છે અને જે લોકો પદ ધરાવે છે તેમણે જ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. પટેલ લિખિત અંગ્રેજી પુસ્તક ‘ગવર્મેન્ટ ગેંગસ્ટર’માં અમેરિકાની અમલદારશાહીની ખૂબ જ ઝાટકણી કાઢવામાં આવી છે અને અમેરિકાની સરકાર ‘બૂરી હાલત’માં છે એવું દર્શાવાયું છે.

પટેલે એમના પુસ્તકમાં એવો આક્ષેપ કર્યો છે કે અમેરિકાની અમલદારશાહીમાં મોટા પાયે ઘૂસણખોરી થઈ છે. તેમાં એક વર્ગમાં એવા લોકોનું વર્ચસ્વ છે જેમણે કાયદો તોડ્યો છે.

43 વર્ષના કાશ પટેલે લખ્યું છે કે પોતે ડેમોક્રેટ અને રિપબ્લિકન, એમ બંને પક્ષની સરકારો દરમિયાન 16 વર્ષ સુધી રહ્યા હોવાથી એમને આ પુસ્તક લખવાનંr સૂઝ્યું છે. પટેલે ડોનાલ્ડ ટ્રમ્પના શાસન હેઠળ કાર્યવાહક સંરક્ષણ પ્રધાનના ચીફ ઓફ સ્ટાફ તરીકે કામગીરી બજાવી હતી. એમનું પુસ્તક આ વર્ષના શિયાળાની મોસમમાં સ્ટેન્ડ્સ પર આવશે.