યુરોપમાં રોગચાળાને લીધે માર્ચ સુધીમાં સાત લાખના મોતની આશંકા

જીનિવાઃ વિશ્વમાં કોરોના રોગચાળાનો પ્રકોપ હજી ચાલુ છે. યુરોપ કોરોના સંક્રમણનું નવું કેન્દ્ર છે. વિશ્વના 53 દેશોમાં આગામી વસંત ઋતુ સુધીમાં કોરોના રોગચાળાને લીધે સાત લાખ લોકોનાં મોતની આશંકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના યુરોપ કાર્યાલયે વ્યક્ત કરી છે. જેથી કુલ મળીને મોતનો આંકડો 20 લાખે પહોંચશે.

જીનિવા સ્થિત સંયુક્ત રાષ્ટ્રની આરોગ્યની એજન્સીએ રોગચાલાને અટકાવવા માટે વારંવાર બુસ્ટર ડોઝ લગાવવા માટે આહવાન કર્યું છે. વિકસિત દેશોની તુલનાએ વિકાસશીલ દેશોએ કોરોના રોગચાળાની રસીની અછતનો સામનો કર્યો છે. સંસ્થાએ યુરોપના લોકોને રસી લેવાનું અને સ્વચ્છતા જાળવવાના નિર્દેશ આપતાં વાઇરસના સંક્રમણને ખાળવા માટે સામાજિક અંતર રાખવા માટે વિનંતી કરી છે.

યુરોપ અને મધ્ય એશિયામાં કોરોના રોગચાળાની સ્થિતિ બહુ ગંભીર છે. આગળ શિયાળો આવી રહ્યો છે અને આપણે આશા રાખવા સિવાય કાંઈ નથી. સરકાર, આરોગ્ય સત્તાવાળા અને વ્યક્તિગત રીતે રોગચાળાને કાબૂમાં રાખવા આપણે તકેદારી રાખવાની છે, એમ WHO યુરોપના રિજનલ ડિરેક્ટર ડો. ક્લુઝે કહ્યું હતું.

યુરોપ અને મધ્ય એસિયામાં કોરોના રોગચાળાને કારણે ગયા સપ્તાહમાં આશરે પ્રતિદિન 4200 લોકોનાં મોત થયાં છે, જે સપ્ટેમ્બરની તુલનાએ બે ગણા હતા. આ ક્ષેત્રમાં મોતનો આંકડો 15 લાખે પહોંચ્યો હતો.

અમારા અંદાજ અનુસાર 25 દેશોમાં હોસ્પિટલોમાં બેડની પણ અછત સર્જાશે. આ ઉપરાંત 53 દેશોમાંથી 49 દેશોમાં માર્ચ, 2022 સુધીમાં ICUવાળા બેડની પણ અછત સર્જાવાની શક્યતા છે. હાલના વલણ મુજબ આવતા વર્ષે વસંત ઋતુ સુધીમાં કોરોના રોગચાળાને લીધે 22 લાખ મોત થાય એવી ધારણા છે.