સીમા હૈદર વર્લ્ડ કપ જોઈને પાછી ફરશેઃ પાકિસ્તાની પ્રેમીનો દાવો

કરાચીઃ પાકિસ્તાનના કરાચી શહેરમાંથી કાયદેસર દસ્તાવેજો વગર ભારતની સરહદો ઓળંગીને ભારત આવેલી પાકિસ્તાની નાગરિક સીમા હૈદર પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈની જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરાઈ હોવા છતાં ઉત્તર પ્રદેશના નોઈડામાં કેટલાક લોકો સીમાને આવકારી રહ્યાં છે. દરમિયાન, સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઈરલ થયો છે. એમાં એક પાકિસ્તાની પત્રકાર અને સીમાનો પ્રેમી હોવાનો દાવો કરતો એક તરુણ વાતચીત કરતા દેખાય છે.

વિડિયોમાં પત્રકારે સવાલ પૂછતાં ઓસામા નામનો તરુણ કહે છે, ‘સીમા મારી મિત્ર હતી. બે વર્ષથી અમે બંને સંપર્કમાં હતાં. ક્રિકેટ વર્લ્ડ કપ જોવા ભારત જવું છે એવું ત્યારે વારંવાર કહેતી હતી. આવતા ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર વર્લ્ડ કપ સ્પર્ધા જોયા પછી સીમા પાકિસ્તાનમાં એનાં પતિ ગુલામ હૈદર સાથે સાઉદી અરેબિયા પાછી જશે.’

દરમિયાન, સોશિયલ મિડિયા પર ફરી રહેલા એક અન્ય વિડિયોમાં સીમાએ પોતાનું નામ બદલીને સીમા ઠાકુર રાખ્યું હોવાનું અને પોતાને ઠકુરાઈન કહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આની સામે રાજપૂત ઉત્થાન સભાએ વાંધો ઉઠાવ્યો છે. સંસ્થાના અધ્યક્ષ ઠાકૂર ધીરજસિંહે કહ્યું છે કે, ‘ઠકુરાઈન શબ્દ વાપરવાનો સીમાને કોઈ અધિકાર નથી. ઠકુરાઈન શબ્દ વાપરીને તેણે સંપૂર્ણ રાજપૂત સમાજનું અપમાન કર્યું છે.’