મોસ્કોઃ રશિયાએ બ્રિટિશ પત્રકારો સહિત સંરક્ષણ ક્ષેત્રની કેટલીય હસ્તીઓને દેશમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે, એમ રશિયાના વિદેશ મંત્રાલયે મહિતી આપી હતી. મંત્રાલયે વેબસાઇટ પર જારી કરેલા એક નિવેદનમાં 29 પત્રકારો અને સમીક્ષકોના પ્રવેશ પર પ્રતિબંધની ઘોષણા કરી હતી. રશિયા અને યુક્રેનમાં એકતરફી અને ખોટા અહેવાલોને પ્રસિદ્ધ કરવાને કારણે બ્રિટિશ મિડિયાના કર્મચારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્રિટિશ પત્રકારોએ રશિયા, યુક્રેન અને ડોનબાસની ઘટનાઓ વિશે જૂઠાણાં અને એકતરફી માહિતી પ્રસાર કરી રહ્યા હતા.
રશિયાની આ પ્રતિબંધની યાદીમાં BBC, ટાઇમ્સ અને ગાર્જિયન ન્યૂઝપેપરો જેવાં મુખ્ય મિડિયા હાઉસોના વરિષ્ઠ સંપાદકો અને પત્રકારો સિવાય સંરક્ષણ સંસ્થાઓથી સંકળાયેલા 20 લોકોનાં નામ પણ સામેલ છે. યુકે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલી 20 વ્યક્તિ યુક્રેનને હથિયારોનો સપ્લાય કરવામાં સામેલ હતી, જેનો ઉપયોગ નાગરિકોને મારવામાં અને પાયાના માળખાને નષ્ટ કરવામાં કરવામાં આવતો હતો, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
મંત્રાલયે દાવો કર્યો હતો કે તેમના પક્ષપાતી આકલનની સાથે તેઓ બ્રિટિશ સમાજમાં રશિયા ફોબિયાને પ્રોત્સાહન આપવામાં પણ યોગદાન આપતા હતા. આ યાદીમાં બ્રિટિશ નેવીના વડા, એક જુનિયર સંરક્ષણપ્રધાન અને સંરક્ષણ અને એરોસ્પેસ કંપની થેલ્સ અને BAE સિસ્ટમ્સના સિનિયર એક્ઝિક્યુટિવ્ઝ પણ સામેલ છે.
___