ટ્રમ્પનો કોરોના વાઈરસ ટેસ્ટ ફરીવાર નેગેટિવ આવ્યો

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના વાઈરસ (કોવિડ-19) ટેસ્ટ રિપોર્ટ ફરી નેગેટિવ આવ્યો છે. નવી ચકાસણીમાં પણ જાણવા મળ્યું છે કે એમને કોરોનાનો ચેપ લાગ્યો નથી.

વ્હાઈટ હાઉસનાં પ્રવક્તા સ્ટેફની ગ્રિશમે એક નિવેદનમાં આ જાણકારી આપી હતી.

વ્હાઈટ હાઉસના ચિકિત્સક શોન કોનલેએ વ્હાઈટ હાઉસ કોરોના ટાસ્ક ફોર્સના બ્રીફિંગ પૂર્વે એક જાહેરાતમાં કહ્યું હતું કે આજે સવારે ફરીથી પ્રમુખ ટ્રમ્પનો કોરોના વાઈરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો છે. પ્રમુખ ટ્રમ્પ એકદમ તંદુરસ્ત છે. એમનામાં કોરોનાનાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી. આ લેટેસ્ટ ટેસ્ટ કિટ વડે કરાયેલી રેપિડ પોઈન્ટ-ઓફ-કેર હતી, જેમાં 15 મિનિટની અંદર જ રિપોર્ટ મળી જાય છે.

ટ્રમ્પ ગુરુવારે પત્રકારો સમક્ષ એમનું નિયમિત કોરોના બ્રીફિંગ કરે એ પહેલા જ પત્રકારોને આ જાણકારી આપી દેવામાં આવી હતી.

ટ્રમ્પની ફરીથી કોરોના ચકાસણી કરવામાં આવી હતી અને 15 મિનિટ બાદ ટેસ્ટનું પરિણામ આવી ગયું હતું.

ટ્રમ્પે બાદમાં પત્રકારોને કહ્યું હતું કે મેં મારી ટેસ્ટ કરાવી લીધી છે અને એનો રિપોર્ટ પણ આવી ગયો છે, જે વ્હાઈટ હાઉસના ડોક્ટરે જાહેર કર્યો છે.

ટ્રમ્પે કહ્યું હતું કે મેં આજે સવારે જ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. એમાં માંડ એક મિનિટ લાગી હતી. મને એમ હતું કે 15 મિનિટ લાગશે, પરંતુ મારે વધારે રાહ જોવી નહોતી પડી. 14-15 મિનિટમાં જ નેગેટિવ રિપોર્ટ સાથે ટેસ્ટનું પરિણામ મારા હાથમાં આવી ગયું હતું.

ઉલ્લેખનીય છે કે અગાઉ ગયા માર્ચના મધ્યમાં પણ ટ્રમ્પની ટેસ્ટ લેવામાં આવી હતી. એ વખતે તેઓ એવી બે વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા જેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. એ વખતે પણ ટ્રમ્પનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અમેરિકામાં કોરોના વાઈરસના 2,26,000 કેસ નોંધાયા છે.

જોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર અમેરિકામાં કોરોના વાઈરસને કારણે અત્યાર સુધીમાં 5,850ના મોત થઈ ચૂક્યા છે. બે લાખથી વધારે લોકો કોરોનાનો ચેપ લાગ્યા બાદ સાજા પણ થઈ ગયા છે.