ન્યૂયોર્કઃ આ વર્ષના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ (21 જૂન) પૂર્વે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મુખ્યાલય ખાતે આ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉજવણી કાર્યક્રમની આગેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી લેશે, જેઓ 20-24 જૂન દરમિયાન અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવનાર છે. યૂએન હેડક્વાર્ટર્સ ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં મોદીની સાથે દુનિયાનાં તમામ દેશોનાં પ્રતિનિધિઓ, રાજદૂતો તથા અધિકારીઓ પણ યોગાસન કરશે.
વડા પ્રધાન મોદીના સૂચનને પગલે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ઉપક્રમે 2015ની સાલથી દર વર્ષે 21 જૂનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને દુનિયાભરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ વધારતી યોગવિદ્યા ભારતની પ્રાચીન વિદ્યા છે.
ન્યૂયોર્કમાં યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા બાદ વડા પ્રધાન મોદી વોશિંગ્ટન ડી.સી. જશે જ્યાં 22 જૂને વ્હાઈટ હાઉસ ખાતે એમનું વિધિસર સત્તાવાર રીતે સ્વાગત કરવામાં આવશે. ત્યાં તેઓ અમેરિકી પ્રમુખ જો બાઈડનને મળશે, જેમના આમંત્રણને માન આપીને જ મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે. મોદી અને બાઈડન વચ્ચે ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષી મંત્રણા યોજાશે. એ જ દિવસની સાંજે પ્રમુખ બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડન પીએમ મોદીના માનમાં સત્તાવાર ડિનર યોજશે.