લાહોરઃ પાકિસ્તાન આર્થિક સંકટની વચ્ચે રાજકીય અફરાતફરી પણ વધી રહી છે. દેશની ફેડરલ તપાસ એજન્સીએ હવે નિર્ણય કર્યો છે કે એ પ્રતિબંધિત ફન્ડિંગ કેસમાં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરશે. આ નિર્ણય નિશ્ચિત રીતે ઇમરાન માટે મોટા આંચકા સમાન છે. ઇમરાનની લાહોર પોલીસની મદદથી FIA ધરપકડ કરશે. ઇમરાનના લાહોર સ્થિત નિવાસસ્થાન બહાર તેમના સમર્થકોની ભીડ જમા છે.
સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે ચાર સભ્યોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે, જે ઇમરાનની ધરપકડ કરશે, જ્યારે FIAના DGની પાસે ધરપકડની મંજૂરી માટે એક સમરી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. બીજી ફેબ્રુઆરીએ ઇસ્લામાબાદ હાઇ કોર્ટે એ અરજીને ફગાવી દીધી હતી, જે ઇમરાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના સભ્યો તરફથી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં ચૂંટણી પંચના ફન્ડિંગ કેસમાં નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. માગ કરવામાં આવેલી હતી કે પંચના આ નિર્ણયને રદ કરવામાં આવે.
ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે PM ઇમરાન ખાને પાર્ટીના પ્રતિબંધિત ફન્ડિંગ કેસમાં ખોટી માહિતી આપી હતી. પંચે કહ્યું હતું કે પાર્ટીને બિઝનેસ ટાયકુન આરિફ નકવી અને 34 વિદેસી નાગરિકોથી ભારે ફંડ મળ્યું હતું. પંચે કહ્યું હતું કે એ ફંડ રાજકીય પાર્ટીના કાયદાની કલમ છનું ઉલ્લંઘન છે. તપાસ એજન્સીએ ઇમરાનની સાથે 10 વધુ સભ્યોની સામે કેસ નોંધ્યો હતો. આ બધા પર વિદેશી ફંડ હાંસલ કરવાનો આરોપ છે.