ભાગેડુ નીરવ મોદીની લંડનમાં ધરપકડ, ભારતમાં પ્રત્યાર્પણ પ્રયત્નમાં સરકાર

લંડન : આખરે બેંકઠગાઈના આરોપી ભાગેડુ નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી છે. લંડન પોલિસે નીરવની ધરપકડ કરી લીધી છે. તેને આજે જ વેસ્ટ મિનિસ્ટર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. નીરવ મોદીએ જામીન અરજી નકારવામાં આવી છે અને તેને 29 માર્ચે યોજાનારી આગામી સુનાવણી સુધી કસ્ટડીમાં રાખવાનો આદેશ કરાયો છે. આ સાથે ભારત સરકાર નીરવ મોદીના પ્રત્યાર્પણ પ્રયત્ન તેજ બનાવતાં એક ટીમ લંડન મોકલે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે 14 હજાર કરોડથી વધારેની છેતરપિંડી કરીને 13 મહિનાથી પકડ બહાર રહ્યો છે. વિદેશ ફરાર થઈ ગયેલાં  હીરા વેપારી નીરવ મોદીની લાંબા સમયથી ફરાર થઈ ગયો હતો અને છુપાયેલો રહ્યો હતો. થોડા સમય પહેલાં જ લંડનમાં બિન્ધાસ્ત ફરી રહેલા નીરવ મોદીની જાણકારી મળી હતી.જે બાદ ભારત સરકારની વિનંતી બાદ લંડનની કોર્ટે નીરવ મોદીની ધરપકડનું વોરંટ કાઢ્યું હતું. ધરપકડ બાદ હવે નીરવ મોદીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

નીરવ મોદીની ધરપકડ થઈ છે પરંતુ તેની પાસે જામીન માટે કોર્ટના દરવાજા ખખડાવવાનો વિકલ્પ છે. કોર્ટમાંથી નીરવને શરતી જામીન મળી શકે છે.

આ પહેલાં સીબીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ એજન્સી લંડનમાં જે કંઈ બની રહ્યું હતું તેના પર નજર રાખી રહી છે અને તેના પ્રત્યાર્પણ માટે તમામ કાયદાકીય મદદ પૂરી પાડવામાં આવી રહી હતી. આ માટે સીબીઆઈ અને ઈડી બંને મહેનત કરી રહી છે.ઈડીએ પણ કહ્યું હતું કે લંડનની કોર્ટે ભાગેડુ જ્વેલર નીરવ મોદી સામે ધરપકડ વોરંટ બહાર પાડ્યું છે. નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 14,600 કરોડના કૌભાંડનો મુખ્ય આરોપી છે.2018માં પીએનબી ફ્રોડ સામે આવ્યું હતું. હીરા વેપારી નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ બેન્કની મુંબઈ શાખામાંથી ખોટી રીતે ગેરન્ટી પત્ર મેળવી વિદેશોમાં અન્ય ભારતીય બેન્કો પાસેથી લોન લીધી હતી. બંને આરોપી દેશ છોડીને બીજા દેશમાં રહે છે ત્યારે ભારત સરકાર આ બંને ભાગેડુઓને દેશમાં લાવવાના પ્રયત્નમાં લાગેલી છે.બ્રિટનના એક અખબારી રીપોર્ટ પ્રમાણે પીએનબી કૌભાંડનો આરોપી નીરવ મોદી લંડનના વેસ્ટ એન્ડમાં 56 કરોડ રુપિયા (80 લાખ પાઉન્ડ)ના આલીશાન ઘરમાં રહે છે અને ફરીથી હીરાનો વેપાર કરી રહ્યો છે. ધ ટેલીગ્રાફના રિપોર્ટ પ્રમાણે 48 વર્ષીય નીરવ મોદી હાલ ત્રણ રુમના એક ફ્લેટમાં રહે છે.