ઈવાંકા ટ્રમ્પનો ભારત પ્રવાસ: પીએમ મોદીએ કહ્યું, સ્વાગત માટે ઉત્સુક

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાંકા ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલાં વડાપ્રધાન મોદીએ તેમના સ્વાગતને લઈને ટ્વીટ કર્યું છે. પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, આપના સ્વાગત માટે ભારત ઉત્સુક છે. ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત થઈ રહેલા આર્થિક સંબંધો બંને દેશોના લોકો, વિશેષ કરીને ટેલેન્ટેડ અને ઉદ્યમી લોકોને મદદરુપ થશે.

ગત મંગળવારે ઈવાંકા ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું હતું કે, આ સપ્તાહ ગ્લોબલ એન્ટરપ્રેન્યોશિપનું સપ્તાહ છે. જેમાં દુનિયાભરના ઈનોવેટર્સના યોગદાનને સમજવાનો અવસર મળશે. વધુમાં ઈવાંકાએ જણાવ્યું કે, ‘પીએમ મોદી સાથે તેઓ ઈનોવેટર્સને મળવા ઘણા જ ઉત્સુક છે.’ ઈવાંકાના આ ટ્વીટ બાદ પીએમ મોદીએ પણ તેમને ટ્વીટ કરીને જવાબ આપ્યો, જેને ઈવાંકાએ રીટ્વીટ પણ કર્યું.

આપને જણાવી દઈએ કે, ઈવાંકા ટ્રમ્પ આગામી 28થી 30 નવેમ્બર દરમિયાન યોજાનારી વૈશ્વિક સાહસિકતા સમિટમાં (GES) ભાગ લેવા હૈદરાબાદ આવશે. ઈવાંકા ટ્રમ્પના ભારત પ્રવાસને અનુલક્ષીને તેમના હૈદરાબાદ રોકાણ દરમિયાન શહેરમાં ભિખારીઓ દ્વારા કરવામાં આવતી ભિક્ષાવૃત્તિ પર પ્રશાસન દ્વારા રોક લગાવવામાં આવી છે.

શહેર પોલીસ કમિશનરે હૈદરાબાદમાં સાર્વજનિક સ્થાળો ઉપર તેમજ સિગ્નલ અને ચાર રસ્તાઓ ઉપર બાળકો અને અપંગ લોકો દ્વારા કરવામાં આવતી ભિક્ષાવૃત્તિ પર રોક લગાવવામાં આવી છે. વધુમાં પોલીસ કમિશનરે એમ પણ જણાવ્યું છે કે, આદેશનું પાલન નહીં કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

પીએમ મોદીએ આપ્યું હતું નિમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન ઈવાંકા ટ્રમ્પને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું હતું. જે અંગે ઈવાંકા ટ્રમ્પે ટ્વીટ કરીને પીએમ મોદીના ભારત આવવાના નિમંત્રણ અંગે ધન્યવાદ વ્યક્ત કર્યા હતા. ઈવાંકાએ કહ્યું કે, ‘વૈશ્વિક સાહસિકતા સમિટમાં અમેરિકન ડેલિગેશન સાથે મને ભારત આવવાનું નિમંત્રણ આપવા માટે ધન્યવાદ પીએમ મોદી.’

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]