યુદ્ધભૂમિ યુક્રેન પહોંચ્યા PM મોદીઃ ખતમ થશે યુદ્ધ?  

કિવઃ વડા પ્રધાન મોદી પોલેન્ડની બે દિવસની યાત્રા પછી યુક્રેન પહોંચી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીના નિમંત્રણ પર PM મોદી યુક્રેન પહોંચ્યા છે. વિશ્વની નજર મોદીના પ્રવાસ પર અને બંને નેતાઓની મુલાકાત પર છે. તેમની આ મુલાકાત ઘણી મહત્ત્વની છે. PM મોદીની યુક્રેનની આ પહેલી યાત્રા છે. તેઓ થોડી વારમાં ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે.

PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની સાથે મુલાકાત અને વાતચીત કરશે. તેમની વાતચીત યુક્રેન અને રશિયાની વચ્ચે જારી સંઘર્ષનો હલ કરવા પર ધ્યાન કેન્દ્રિત હશે.રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે PM મોદી કહી ચૂક્યા છે કે યુદ્ધ ક્યારેય કોઈ સમસ્યાનું સમાધાન નથી. તેઓ ભારતનો શાંતિનો સંદેશ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સુધી પહોંચાડશે. PM મોદીએ કિવ પહોંચવા પર ત્યાં ભારતીય સમુદાય સાથે તેમણે મુલાકાત કરી હતી. એ દરમ્યાન ભારત માતાની જયના નારા લાગ્યા હતા.

PM મોદીએ કહ્યું હતું કે હાલમાં યુક્રેન અને પશ્ચિમી એશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે, એ ચિંતાની વાત છે. ભારતનું માનવું છે કે યુદ્ધના મેદાનમાંથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી નીકળી શકતું. કોઈ પણ સ્થિતિમાં જો લોકોના જીવ જઈ રહ્યા છે, એ માનવતા માટે સૌથી મોટો પડકાર છે. અમે કૂટનીતિમાં વિશ્વાસ રાખીએ છીએ. અપેક્ષા છે કે એનાથી શાંતિ સ્થાપિત થશે. ભારત દરેક પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે. તેમણે કહ્યું હતું કે શાંતિ વાર્તા બોમ્બ અને ગોળીઓની વચ્ચે સફળ ના થાય.