મોદીનું અમેરિકામાં ઉષ્માભર્યું સ્વાગત; શુક્રવારે બાઈડનને મળશે

વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર-દિવસની સત્તાવાર યાત્રા માટે અમેરિકા પહોંચી ગયા છે. તેઓ આવતીકાલે પાટનગર વોશિંગ્ટન ડી.સી.માં વ્હાઈટ હાઉસ ખાતે અમેરિકી પ્રમુખ જૉ બાઈડન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. વડા પ્રધાન અમેરિકાનાં ઉપપ્રમુખ અને ભારતીય મૂળનાં કમલા હેરિસ સાથે પણ વ્યક્તિગત રીતે બેઠક કરશે. તેઓ ક્વાડ શિખર સંમેલનમાં હાજરી આપશે અને ન્યૂયોર્કમાં યૂએન મહાસમિતિના 76મા સત્રમાં હાજરી આપશે અને સંબોધન પણ કરશે. અમેરિકાનાં અગ્રગણ્ય બિઝનેસ માંધાતાઓ (સીઈઓ) સાથે પણ મોદી બેઠક કરશે અને ભારતમાં રહેલી આર્થિક તકોની રૂપરેખા રજૂ કરશે.

વોશિંગ્ટન ડી.સી. એન્ડ્રૂઝ જોઈન્ટ એરફોર્સ બેઝ ખાતે બાઈડન વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ તથા અમેરિકાસ્થિત ભારતીય રાજદૂત તરણજીતસિંહ સંધુએ સ્વાગત કર્યું હતું. મોદી પહોંચ્યા ત્યારે વરસાદ વરસી રહ્યો હતો તે છતાં એમને આવકારવા માટે ખાતે મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકન લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. વડા પ્રધાને એમનું અભિવાદન સ્વીકાર્યું હતું અને એમની સાથે હાથ પણ મિલાવ્યા હતા. મોદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર તથા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તસવીરો શેર કરી છે. મોદીની મુલાકાતના માનમાં એન્ડ્રૂઝ જોઈન્ટ બેઝ ખાતે અમેરિકી ધ્વજ અને રાષ્ટ્રીય તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

2014માં વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ મોદીની આ સાતમી અમેરિકા મુલાકાત છે. એમની આ વખતની મુલાકાત બંને દેશ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને તેમજ ક્વાડ સમૂહમાં અમેરિકા ઉપરાંત અન્ય બે દેશ જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથેના સંબંધોને પણ વધારે મજબૂત બનાવશે.

(તસવીર સૌજન્યઃ નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રાલય ટ્વિટર એકાઉન્ટ)