જાપાનમાં વિમાનમાં લાગી આગઃ300 યાત્રીઓનો બચાવ, પાંચ લાપતા

ટોક્યોઃ જાપાનમાં શક્તિશાળી ભૂકંપ અને સુનામી આવે 24 કલાક પણ નથી થયા, ત્યારે એક વધુ દુર્ઘટના બની છે. જાપાનમાં ટોક્યોમાં હાનેડા એરપોર્ટના રનવે પર ઊતરી રહેલા જાપાન એરલાઇન્સના વિમાનમાં આગ લાગી. જ્યારે પ્લેન રનવે પર આગળ વધી રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. આ વિમાનમાં 300થી વધુ પેસેન્જરો હતા અને બધાને સુરક્ષિત કાઢવામાં આવ્યા છે. જોકે કોસ્ટ ગાર્ડના પાંચ સભ્યો લાપતા છે.

જાપાનના આ પ્લેનમાં આગ લાગી ત્યારે પ્લેનમાં 350થી વધુ મુસાફરો હાજર હતા. મિડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટના અન્ય પ્લેન સાથે અથડાયા બાદ સામે આવી છે. વાયરલ થઈ રહેલા વિડિયોમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. જાપાન એરલાઈન્સનું કહેવું છે કે પ્લેન હોકાઈડોના ન્યુ ચિટોઝ એરપોર્ટથી ટોક્યોના હાનેડા એરપોર્ટ પર પહોંચ્યું હતું. જેની ફ્લાઈટ નંબર 516 છે. જાપાન એરલાઈન્સનું કહેવું છે કે હાનેડા એરપોર્ટ પર ઊતર્યા બાદ વિમાન જાપાન કોસ્ટ ગાર્ડના વિમાન સાથે અથડાયું હતું.

જાપાની સમાચાર એજન્સી NHK એ આ અકસ્માત વિશે સૌપ્રથમ માહિતી શેર કરી હતી. કે પેસેન્જર પ્લેનમાં આગ લાગી છે. આ અકસ્માત ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયો હતો, જ્યાં જાપાન એરલાઇન્સ (JAL) એરબસ A350 હાનેડામાં એરપોર્ટ રનવે પર કોસ્ટ ગાર્ડ એરક્રાફ્ટ સાથે અથડાયું હતું.

ફોટાઓમાં પ્લેનની બારીઓમાંથી જ્વાળાઓ નીકળતી જોવા મળે છે. ઘણા ફાયર એન્જિન વાહનો ઘટનાસ્થળે હાજર છે અને આગને કાબૂમાં લેવા માટે એરક્રાફ્ટ પર ફોમ અને પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જાપાનના વડા પ્રધાને પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે એજન્સીઓ વચ્ચે સંકલન કરવા માટે એક સમિતિની રચના કરી છે. ઇમર્જન્સી રૂમ ઊભો કરવામાં આવ્યો છે.