પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશન પર બોમ્બધડાકોઃ 21નાં મોત, 46 ઘાયલ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ક્વેટા રેલવે સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ થયો છે, જેને કારણે અત્યાર સુધીમાં 21 લોકોનાં મોત થયા છે. આ બ્લાસ્ટને કારણે 46થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે તેવી આશંકા છે.

આ હુમલાની જવાબદારી બલૂચ લિબરેશન આર્મીએ લીધી છે. પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં આતંકવાદી હુમલામાં વધારો થયો છે. એ સિવાય અહીં લગાવવાદી વિદ્રોહ પણ વધી રહ્યો છે.રેલવે સ્ટેશનમાં થયેલા આ ભયાનક વિસ્ફોટ અંગે ક્વેટાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક SSP મોહમ્મદ બલૂચે કહ્યું હતું કે આ ઘટનામાં 16 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. જો કે દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે અને ઘાયલોની સંખ્યા 50 સુધી પહોંચી શકે છે. પોલીસ અને બચાવ કાર્ય માટે કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, એમ તેમણે કહ્યું હતું.

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર જ્યારે જાફર એક્સપ્રેસ ટ્રેન રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર પહોંચી રહી હતી અને થોડી જ વારમાં રવાના થવાની હતી ત્યારે બ્લાસ્ટ થયો હતો. આવી સ્થિતિમાં ટિકિટ માટે સ્ટેશન કાઉન્ટર પાસે ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા ઘણી વધારે છે.

આ સિવાય ક્વેટાની સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી લાગુ કરવામાં આવી છે. લોકોની સારવાર માટે વધારાની ડોક્ટરોની ટીમ તહેનાત કરવામાં આવી હતી.  હજી આ દુર્ઘટનામાં અનેક સ્થિતિ ગંભીર છે, જેની સારવાર ચાલી રહી છે.