નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરીથી આતંકવાદી હુમલો થયો છે, જેમાં પાંચ જવાનો શહીદ થયા છે. ડોડામાં થયેલા આ આતંકવાદી હુમલાની સાથે છેલ્લા એક મહિનામાં આ સાતનો આતંકવાદી હુમલો છે, જેમાં અત્યાર સુધી 12 જવાન શહીદ થઈ ચૂક્યા છે. આંકડા અનુસાર 2023માં 43 આતંકવાદી ઘટનાઓ જમ્મુમાં થઈ છે. વિવિધ આતંકવાદી સંગઠનોએ આ હુમલાની જવાબદારી લીધી છે.
જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ DGP કુલદીપ હુડ્ડાએ જમ્મુમાં વધતી આતંકવાદી ઘટનાઓ માટે કહ્યું છે કે પાકિસ્તાનનું મિશન ક્લિયર છે. એ હવે જમ્મુમાં આતંકવાદી પ્રવૃત્તિઓ વધારવા ઇચ્છે છે, કેમ કે પાકિસ્તાન કાશ્મીરમાં સફળ નથી થઈ રહ્યું. ઓપરેશન ઓલ આઉટ હેઠળ કાશ્મીરમાં પાકિસ્તાન નો સફાયો થઈ ગયો છે અને એટલા માટે હવે એ નવી જગ્યા શોધી રહ્યું છે, જ્યાં સુરક્ષા દળો ઓછા છે. હવે આતંકવાદીઓ જે ક્ષેત્રોમાં શાંતિ રહી છે, એ વિસ્તારોને લક્ષ્ય બનાવી રહ્યા છે, જેથી સેનાનું ધ્યાન જમ્મુ તરફ વળે, જેનાથી તેઓ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી કામગીરી વધારી શકે, એમ તેમણે કહ્યું હતું. ડોડા જમ્મુ વિસ્તારમાં ગાઢ જંગલોવાળા પહાડી વિસ્તારો છે, જેમાં આતંકવાદીઓ ગોરીલ્ યુદ્ધની નીતિ અપનાવી રહ્યા છે.
પાકિસ્તાને વ્યૂહરચનાને નામે હવે જૂનાં આતંકવાદી સંગઠનોનાં નામ બદલ્યાં છે. જૈશ-એ-મોહમ્મદના જ આતંકવાદી મુફ્તી અલ્તાફે હવે નવું સંગઠન ‘કાશ્મીર સંગઠન’ બનાવ્યું છે. આ સાથે હિજબુલ મુજાહિદ્દીને પણ નવા સંગઠનનું નામ ‘ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ’ અને લશ્કરે તૈયબાએ નવા સંગઠનનું નામ ‘પીપલ્સ અગેન્સ્ટ ફાસિસ્ટ ફોર્સીસ’ રાખ્યું છે.
ઉરી હુમલા પછી ભારત તરફથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. જે પછી પાકિસ્તાન થોડો સમય શાંત બેઠું હતું, પણ હવે એણે તેનો એજન્ડા ફરીથી શરૂ કરી દીધો છે, એમ કુલદીપ હુડ્ડાએ કહ્યું હતું.