ઇસ્લામાબાદઃ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ- એ ન્યાયે અફઘાનિસ્તાનમાં અમેરિકાનાં 20 વર્ષ લાંબા આતંકવાદની સામે યુદ્ધમાં પાકિસ્તાનની ભાગીદારીના નિર્ણય પર વડા પ્રધાન ઇમરાન ખાને ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે એ જનહિતમાં નહીં, પણ ડોલર માટે લેવાયેલું પગલું હતું. ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાનના મુદ્દે આયોજિત 57 મુસ્લિમ દેશોના સંગઠન OICની બેઠક પછી ઇમરાન ખાને પહેલી વાર ભૂલ માનતા કબૂલ કરતાં કહ્યું હતું કે પાકિસ્તાન કોઈ પણ આતંકવાદની સામે લડાઈમાં સામેલ થવા માટે અફઘાનિસ્તાનમાં નહોતું ગયું, પણ અમેરિકન ડોલર્સ માટે જંગમાં ઊતર્યું હતું. રવિવારે OICની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાકિસ્તાને બધા 57 મુસ્લિમ દેશોના વિદેશપ્રધાનોને આમંત્રિત કર્યા હતા. જોકે આ બેઠકમાં 20 મુસ્લિમ દેશોના વિદેશપ્રધાને જ હાજરી આપી હતી. જ્યારે પાંચ મુસ્લિમ દેશોના વિદેશપ્રધાનો પાકિસ્તાનની બેઠકમાં સામેલ નહીં થઈને ભારત આવી ગયા હતા.
વડા પ્રધાને કહ્યું હતું કે અફઘાન યુદ્ધમાં સામેલ થઈને પાકિસ્તાને ખુદના શરીર પર જખમ કર્યા હતા. આપણે હાથે કરીને બજાને આપણો ઉપયોગ કરવા દેવા માટે આપણે પોતે જવાબદાર છીએ. અમેરિકાની મદદ કરીને દેશની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. એક વિદેશ નીતિ તૈયાર કરી જે જાહેર હિતની વિરુદ્ધમાં હતી. એ માત્ર ડોલર્સ માટે હતી.
અફઘાનિસ્તાની સંકટ માટે અમેરિકાને જવાબદાર ઠેરવતાં તેમણે કહ્યું હતું કે અમેરિકાને કારણે અફઘાનના લાખો લોકોને અસર થઈ હતી.