નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ જીવલેણ કોરોના વાયરસ વિરુદ્ધ સાર્ક દેશોને એક સાથે આવવા માટે આહ્વાન આપ્યું છે ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ આ સંકટ સામે લડવા માટે ક્ષેત્રીય અને વૈશ્વિક બન્ને મોરચા પર સંકલિત પ્રયત્નોની જરુરત પર બળ આપ્યું છે. શ્રીલંકા અને ભૂટાને વડાપ્રધાન મોદીની આ પહેલનું સ્વાગત કર્યું છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. આ સિવાય, અમેરિકાએ પણ કોરોના વાયરસના સંકટને જોતા ઈમરજન્સી જાહેર કરી છે.
પાકિસ્તાની વિદેશ મંત્રલાયના પ્રવકતા આઇશા ફારૂકીએ ટ્વીટ કરીને કહ્યું કે વૈશ્વિક અને ક્ષેત્રીય સ્તર પર કોરોના વાયરસ સામે લડવા માટે જે પણ જરૂરી હશે પાકિસ્તાન મળીને કરશે. ફારૂકીએ કહ્યું કે અમે અમારા સ્વાસ્થ્ય મંત્રી સાથે વાત કરી છે. તેઓ આ વીડિયો કોન્ફરન્સમાં સામેલ થશે અને કોરોનાને ઉકેલવાના ઉપાયો પર ચર્ચા કરશે.
પાકિસ્તાની પ્રવક્તાએ આ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના પાડોશીઓની મદદ માટે તૈયાર છે. પાકિસ્તાનના વડાપ્રધાન કોરોના વાયરસના પ્રકોપને પહોંચી વળવા માટે ઈમરજન્સી બેઠક પણ કરી ચૂક્યા છે.
વડાપ્રધાન મોદીએ એક મોટો પ્રસ્તાવ આપતા સાર્ક દેશો સાથે આ મહામારી સામે લડવા માટે ચર્ચા કરવાનું આહ્વાન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે મજબૂત રણનીતિ બનાવવા માટે સાર્ક દેશોના નેતૃત્વને પ્રસ્તાવ આપું છું. આપણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પોતાના નાગરિકોને સ્વસ્થ રાખવા માટે વાતચીત કરીશું. આપણે એકજુટ થઈને દુનિયા સામે એક મિસાલ રજૂ કરી શકીએ છીએક અને લોકોને સ્વસ્થ રાખવાના કામમાં યોગદાન આપી શકીએ છીએ.