ઈસ્લામાબાદ- ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં બંધ પાકિસ્તાના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પાકિસ્તાનની હાલની ચૂંટણીના પરિણામને ચોરીથી મેળવેલો જનાદેશ ગણાવ્યો છે. અને ચેતવણી ઉચ્ચારી છે કે, આ પ્રકારના સંદિગ્ધ પરિણામો પાકિસ્તાનની રાજનીતિને ભ્રષ્ટ બનાવશે.પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ અદિયાલા જેલમાં બંધ નવાઝ શરીફને મળવા આવતા લોકો સાથે વાતચીત દરમિયાન નવાઝ શરીફે ફૈસલાબાદ, લાહોર અને રાવલપિંડીના ચૂંટણીના પરિણામો અંગે શંકા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ નવાઝ શરીફની આ પ્રથમ પ્રતિક્રિયા છે.
નવાઝ શરીફે કહ્યું કે, ઉપરોક્ત તમામ ક્ષેત્રોમાં PML-Nના ઉમેદવારોની સ્થિતિ ઘણી સારી હતી. છતાં બાદમાં તમને પરાજીત જાહેર કરવામાં આવ્યા હતા. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં ગત સરકારની નબળી કામગીરી હોવા છતાં ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફને (PTI) જીત અપાવવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાન ચૂંટણીમાં નવાઝ શરીફના પક્ષનો પરાજય થયા બાદ હવે નવાઝ શરીફ અને તેમની પુત્રી મરીયમ નવાઝને લાંબા સમય માટે જેલમાં રહેવું પડી શકે છે. બન્ને ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો પાકિસ્તાની સેના અને ISI નરમ વલણ અપનાવે તો બન્નેને જામીન મળી શકે છે. તેમ છતાં નવાઝ શરીફના ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેને દુર કરવા માટે નવાઝને લાંબી કાયદાકીય લડત લડવી પડી શકે છે.