નવી દિલ્હીઃ પાકિસ્તાનની આર્થિક સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. પાકિસ્તાનમાં ભયંકર ઓઇલની ક્રાઇસિસ છે. પાકિસ્તાનની સરકારી રિફાઇનરીના એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવી છે, કેમ કે ક્રૂડ ઓઇલ છે જ નહીં. પાકિસ્તાન પાસે ડોલર નથી. એટલે ક્રૂડ ઓઇલની ખરીદી નથી થઈ રહી. હવે દેશની ઓઇલ કંપનીઓએ ચેતવણી આપી છે કે ઓઇલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે વિખેરાવાની સ્થિતિએ પહોંચી ગઈ છે. કંપનીઓનું કહેવું છે કે પાકિસ્તાનની પાસે ડોલર નથી બચ્યા. એટલે પાકિસ્તાની રૂપિયાની કિંમત સતત ઘટી રહી છે, જેને કારણે ઉદ્યોગ પર સંકટ ઊભું થયું છે.
વડા પ્રધાન શહબાઝ શરીફને મોકલેલા પત્રમાં ઓઇલ કંપનીઓએ કહ્યું હતું કેબસ થોડા દિવસોમાં ઓઇલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ નેસ્તનાબૂદ થઈ જશે. શહબાઝ શરીફ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)થી મળનારી મદદની રાહ જોઈ રહ્યા છે, પણ પાકિસ્તાનને IMFથી હાલ મદદ મળવાની સંભાવના નથી દેખાતી. આવું પહેલી વાર થયું છે, જ્યારે પાકિસ્તાન આટલા મોટા ઓઇલ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પેટ્રોલ કંપનીઓ પર તાળાનો અર્થ થાય છે કે પાકિસ્તાનના ડામાડોળ અર્થતંત્ર સંપૂર્ણપણે ધબાય નમઃ થશે.
પાકિસ્તાન iMFથી મદદની રકમ માટે અનેક વાર અપીલ કરી ચૂક્યું છે, પણ IMFએ સ્પષ્ટ શબ્દોમાં પાકિસ્તાનની સરકારને ખર્ચ ઘટાડવાની અને સરકારી ખજાનાને વધારવા માટેની સલાહ આપી ચૂક્યું છે. IMFએ પાકિસ્તાનના હાલના દિવસોમાં આપવામાં આવેલા બધા નિર્દેશઓ પૂરા કરવા માટે કહેવામાં આવ્યું છે. પાકિસ્તાન પાસે વિદેશી કરન્સી ઘટીને 3.09 અબજ ડોલર રહી ગઈ છે. આટલાં નાણાંમાં પાકિસ્તાન થોડા દિવસો સુધી આયાત કરી શકશે. IMFએ પાકિસ્તાનને સાત અબજ ડોલરની લોન આપવા માટે નવમી વાર સમીક્ષા બેઠક કરી રહી છે. IMFની કેટલીક શરતો લાગુ થયા પછી મોંઘવારીમાં વધુ વકરી છે. રૂપિયા ડોલર સામે તળિયે છે. પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની કિંમત 16 ટકા વધારવામાં આવી છે અને રાંધણ ગેસની કિંમતોમાં 30 ટકાનો વધારો થયો છે.