પાકિસ્તાનમાં વિકિપીડિયા બ્લોક

પાકિસ્તાનમાં વિકિપીડિયાની સાઈટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાસ્તવમાં, પાકિસ્તાન સરકારે વિકિપીડિયાને તેની વેબસાઇટ પરથી નિંદાજનક સામગ્રી દૂર કરવા કહ્યું હતું. આને લઈને પાકિસ્તાનમાં ઘણો હોબાળો થયો હતો, ત્યારબાદ શાહબાઝ શરીફની સરકારે વિકિપીડિયાને કાર્યવાહી કરવા માટે 48 કલાકનો સમય આપ્યો હતો. જો કે, વિકિપીડિયાએ પાકિસ્તાનની માંગની અવગણના કરી હતી, જેના પછી આ વેબસાઇટની સેવાઓ પર દેશભરમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પાકિસ્તાનના ટેલિકોમ રેગ્યુલેટરે દેશભરમાં વિકિપીડિયાની સેવાઓ 48 કલાક માટે ધીમી કરી દીધી હતી. સાથે જ ચેતવણી પણ આપી છે કે જો વિકિપીડિયાએ ઇશ્વરનિંદા સંબંધિત સામગ્રીને હટાવી નહીં, તો તે વેબસાઇટને સંપૂર્ણપણે બ્લોક કરી દેશે. આ મામલામાં પાકિસ્તાનની હાઈકોર્ટે પણ ટેલિકોમ રેગ્યુલેટરીને વિકિપીડિયા પર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી.

અહેવાલો અનુસાર, વિકિપીડિયાને આ મામલે પોતાનું વલણ રજૂ કરવા માટે નોટિસ પણ આપવામાં આવી હતી. જો કે, ન તો વેબસાઇટે નોટિસનો જવાબ આપ્યો કે ન તો નિંદાત્મક સામગ્રી દૂર કરી. ટેલિકોમ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, વિકિપીડિયા આવી નિંદાત્મક સામગ્રી હટાવે પછી જ તેને પાકિસ્તાનમાં ફરી શરૂ કરવામાં આવશે.

પાકિસ્તાનના ડિજિટલ રાઈટ્સ એક્ટિવિસ્ટ ઓસામા ખિલજીએ આ પ્રતિબંધને ગેરબંધારણીય અને બકવાસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આવા પગલાને કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો અને સમાજના અન્ય વર્ગોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ 2012માં પાકિસ્તાનની સરકારે ઈસ્લામિક વિરોધી ફિલ્મો બતાવવા બદલ યુટ્યુબની 700થી વધુ લિંક્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થયો હતો. ત્યારે પણ પાકિસ્તાનની કોર્ટે સરકારને ઇસ્લામનું અપમાન કરતી સામગ્રી પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.