ઈસ્લામાબાદ- પાકિસ્તાનમાં હાલમાં PM ઈન વેઈટિંગ ઈમરાન ખાન માટે સારા સમાચાર છે. પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં ચૂંટાયેલા 28 અપક્ષ ઉમેદવારોએ પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટી સાથે જોડાવાની જાહેરાત કરી છે. જેથી હવે ઈમરાન ખાનની પાર્ટી મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત બેઠકોમાં વધુ બેઠકોનો દાવો કરી શકે છે.પાકિસ્તાન ચૂંટણી પંચે પહેલા જણાવ્યું હતું કે, અપક્ષ તરીકે ચૂંટાયેલા ઉમેદવારો નવ ઓગસ્ટ સુધીમાં પોતાની પસંદની પાર્ટીમાં જોડાઈ શકે છે. અથવા અપક્ષ રહેવાનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે.
આપને જણાવી દઈએ કે, રાજકીય પક્ષો માટે મહિલાઓ અને લઘુમતીઓ માટે અનામત 60 બેઠકોમાંથી ચૂંટાયેલા સભ્યોની સંખ્યાના આધારે ફાળવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 28 અપક્ષોના ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ (PTI) સાથે જોડાયા બાદ તેની સદસ્ય સંખ્યા વધીને 144 થઈ જશે. આપને જણાવી દઈએ કે, ઈમરાન ખાન આગામી સપ્તાહે પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે.