અમેરિકન પ્રતિબંધોના જવાબમાં સાયબર એટેક કરી શકે છે ઈરાન

વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ સપ્તાહે ફરીવાર ઈરાન પર પ્રતિબંધો લગાવ્યા છે. સાયબર સિક્યોરિટી અને ઈન્ટેલિજન્સ નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા આ પ્રતિબંધોના વિરોધમાં ઈરાન અમેરિકા ઉપર સાયબર હુમલા કરી શકે છે.ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વર્ષ 2015ના પરમાણુ કરારમાંથી પાછા ખસી ગયા બાદથી ઈરાન દ્વારા સાયબર હુમલા અંગેની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જાણકારોનું માનીએ તો સાયબર હુમલાનું જોખમ એ સમયે વધારે વધી ગયું જ્યારે અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધો નવેસરથી લાગૂ કર્યા હતા.

જોકે, ઈરાને એ વાતથી ઈનકાર કર્યો છે કે, તે પોતાની સાયબર ક્ષમતાનો ઉપયોગ કોઈ આક્રમક વલણ માટે કરશે. વધુમાં ઈરાને અમેરિકા પર આરોપ મૂક્યો છે કે, અમેરિકા વ્યક્તિગત હિતને સાર્થક કરવા ઈરાનને ટાર્ગેટ કરી રહ્યું છે.

જોકે એક ખાનગી સાયબર સિક્યોરિટી કંપનીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સપ્તાહ દરમિયાન તેમણે નોંધ લીધી છે કે, ઈરાન તરફથી ધમકીભરી ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. અમેરિકાની નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટની ઓફિસમાં ઈરાનના પૂર્વ પ્રબંધક નોર્મ રુલે જણાવ્યું હતું કે, તેમના માનવા પ્રમાણે એ વાતની શક્યતા છે કે, ઈરાન સાયબરસ્પેસમાં પ્રતિકાર કરી શકે છે.