ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના નાણાં પ્રધાન મિફ્તાહ ઈસ્માઈલનું કહેવું છે કે દેશના કેટલાક ભાગોમાં હાલમાં આવેલા ભયાનક પૂરની આફતે દેશના અર્થતંત્રના વિવિધ સેક્ટરોને 10 અબજ ડોલરનું નુકસાન કર્યું છે. ધ ન્યૂઝ અખબારે તેના અહેવાલમાં ઈસ્માઈલને એવું કહેતા ટાંક્યા છે કે નુકસાનીનું સર્વેક્ષણ હજી ચાલી રહ્યું છે. આંકડો વધી શકે છે. ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને બલુચિસ્તાન પ્રાંતોમાં અભૂતપૂર્વ વરસાદ પડતાં ભયાનક પૂર આવ્યું હતું. તેમજ અનેક સ્થળે ભેખડો ધસી પડવાની ઘટનાઓ બની હતી. આ કુદરતી આફતે ભારે વિનાશ વેર્યો છે. વરસાદ અને પૂર સંબંધિત ઘટનાઓમાં 900 જેટલા લોકો માર્યા ગયા છે અને 3 કરોડ જેટલા લોકો બેઘર થઈ ગયા છે. સિંધ અને બલુચિસ્તાનમાં સૌથી વધારે વિનાશ સર્જાયો છે.
ગઈ 25 ઓગસ્ટે પાકિસ્તાનના આ ભાગોમાં સામાન્ય કરતાં પાંચથી છ ગણો વરસાદ પડ્યો હતો. એણે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે એને રાષ્ટ્રીય આફત ઘોષિત કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા પાકિસ્તાનના પૂરગ્રસ્તોને મદદરૂપ થવા માટે એક આંતરરાષ્ટ્રીય અપીલ પણ બહાર પાડવાની છે.