ભારતે અફઘાનિસ્તાનમાં 40,000 ટન ઘઉં મોકલ્યા

ન્યુ યોર્કઃ ભારતે અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનને 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં મોકલ્યા છે. જેથી કાબુલ સાથે પડોશી દેશની અને લાંબા સમયની ભાગીદારીની ખાતરી કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્રમાં દેશની સ્થાયી પ્રતિનિધિ રુચિરા કમ્બોજે અફઘાન લોકોની સાથે ઐતિહાસિક સંબંધો પર પ્રકાશ ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત ઇચ્છે છે કે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા રહે.

અફઘાનિસ્તાનમાં માનવીય જરૂરિયાતો વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ભારતે અફઘાનિસ્તાનમાં માનવીય મદદ માટે કેટલાંય શિપમેન્ટ મોકલ્યાં છે. જેમાં 10 બેચોમાં 32 ટન મેડિકલ મદદ પણ સામેલ છે, જેમાં જરૂરી જીવનરક્ષક દવાઓ. એન્ટિ-ટીબી દવાઓ અને કોરોનાની રસીના 50,000 ડોઝ પણ સામેલ છે. આ મેડિકલ ખેપ વિશ્વ આરોગ્ય સંગઠન અને કાબુલની ઇન્દિરા ગાંધી ચિલ્ડ્રન હોસ્પિટલને સોંપવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતે અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં 40,000 મેટ્રિક ટનથી વધુ ઘઉં પણ મોકલ્યા છે. તેમણે કહ્યું હતું કે ભારતે ઘઉંની મદદની સાથે યોગ્ય વિતરણ માટે ભારત સરકારે સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ ખાદ્ય કાર્યક્રમની સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

કાબુલમાં ભારતીય દૂતાવાસમાં એક ભારતીય ટેક્નિકલ ટીમ પણ તહેનાત કરવામાં આવી છે, જેથી માનવીય મદદના અસરકારક વિતરણ અને અફઘાનિસ્તાઓની સાથે અમારું જોડાણ જારી રહી શકે અને વિવિધ સ્ટેકહોલ્ડરોના પ્રયાસોની ઝીણવટભરી દેખરેખ અને સમન્વય કરી શકાય. ભારતે અફઘાનિસ્તાનના વિકાસ પર અને મહિલાઓ અને યુવતીઓ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.