નાસાએ અર્ટેમિસ-1 મિશન હાલપૂરુતું અટકાવ્યું

નવી દિલ્હીઃ અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું મહત્ત્વાકાંક્ષી મુન મિશન એટલે કે અર્ટેમિસ 1 હાલપૂરતું ટાળી દેવામાં આવ્યું છે. આ રોકેટના ચારમાંથી એક એન્જિનમાં આવલી ખામીને કારણે એના લોન્ચિંગના ચાલી રહેલા કાઉન્ટડાઉનને અટકાવી દેવામાં આવ્યું છે. આ રોકેટનું લોન્ચિંગ ભારતીય સમયનુસાર ગઈ કાલે સાંજે છ કલાકે થવાનું હતું. જોકે બધું સમુસૂતરું રહ્યું તો હવે લોન્ચિંગ બીજી સપ્ટેમ્બરે રાત્રે 10.18 કલાકે થશે.

અર્ટેમિસ-1 એક માનવરહિત મિશન છે. પહેલી ફ્લાઇટની સાથે વૈજ્ઞાનિકોને એ જાણવું છે કે અંતરિક્ષ યાત્રીઓ માટે ચંદ્ર પર પરિસ્થિત છે કે નહીં? એ સાથે એસ્ટ્રોનોટ્સ ચંદ્ર પર ગયા પછી પૃથ્વી પર સુરક્ષિત પરત ફરી શકશે કે નહીં?

નાસાના જણાવ્યા મુજબ નવું SLS મેગા રોકેટ અને ઓરિયન ક્રૂ કેપ્સ્યૂલ ચંદ્ર પર પહોંચશે. સામાન્ય રીતે ક્રૂ કેપ્સ્યુલમાં એસ્ટ્રોનોટ્સ રહે છે, પણ આ વખતે એ ખાલી રહેશે. આ મિશન 42 દિવસ ત્રણ કલાક અને 20 મિનિટનું છે. જે પછી એ કેપ્સ્યૂલ પૃથ્વી પર પાછી આવશે. આ સ્પેસક્રાફ્ટ કુલ 20 લાખ 92,147 કિલોમીટરનો પ્રવાસ કરશે.

અર્ટેમિસ-1 મિશન લોન્ચ વિન્ડો ગઈ કાલે સાંજે મોકલવાનું હતું, પણ નાસાએ કહ્યું હતું કે અમે એક નાના ફ્યુઅલ લીકથી ઝઝૂમી રહ્યા છીએ. સામાન્ય રીતે રોકેટમાં બળતણ તરીકે એમાં કોલ્ડ હાઇડ્રોજન અને ઓક્સિજન ભરવામાં આવે છે, પણ લીકને કારણે એ કામ રોકી દેવામાં આવ્યું હતું. જો ફ્યુઅલ લીક થતું હશે તો પહેલાં ટેન્ક્સ ખાલી કરવાની રહેશે, એ પછી એમાં ફ્યુઅલ ભરીને રોકેટ ટેકઓફ્ફ માટે તૈયાર કરવામાં આવશે.