ભારતમાંથી શાકભાજીની આયાતની લાહોરના વેપારીઓની માગણી

લાહોરઃ આખા પાકિસ્તાનમાં આકરા બનેલા ચોમાસા અને પૂર તથા ભેખડો ધસી પડવાની આફતે હાહાકાર મચાવી દીધો છે. એને કારણે શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓની અછત ઊભી થઈ છે. તેમજ કિંમત આસમાને પહોંચી ગઈ છે. લાહોર ચેંબર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સંસ્થાએ પાકિસ્તાન સરકારને આજે વિનંતી કરી છે કે તે વેપારીઓને વાઘા સરહદ મારફત ભારતમાંથી શાકભાજીની આયાત કરવાની છૂટ આપે.

હાલના પૂરે આખા પાકિસ્તાનમાં ટમેટાં, કાંદા, બટેટા તથા અન્ય શાકભાજીની ખેતીનો નાશ કરી દીધો છે. આ કટોકટી આવતા ત્રણ મહિના સુધી ચાલુ રહે એવી સંભાવના છે. પરંતુ, જો ભારતમાંથી આ શાકભાજીની આયાત કરવા મળે તો પાકિસ્તાનમાં અમુક દિવસોમાં જ પરિસ્થિતિ અંકુશમાં આવી શકે. આખા દેશમાં ફેરિયાઓ શાકભાજીના બેફામ ભાવ વસુલે છે. બજારોમાં ટમેટાં પ્રતિ કિલો 250 રૂપિયે વેચાય છે જ્યારે સત્તાવાર કિંમત પ્રતિ કિલો રૂ. 190 છે. કાંદા 300 રૂપિયે કિલો અને બટેટા 120 રૂપિયે કિલો વેચાય છે. આદુ પ્રતિ કિલો 380 રૂપિયે અને લસણ 250 રૂપિયે કિલો વેચાય છે.