બેરુતઃ ચીન અને પાકિસ્તાનના સંબંધોમાં બધું સમુંસૂતરું નથી. એક બ્લોગ અનુસાર બંને દેશોની વચ્ચે જે ઘનિષ્ઠ મિત્રતાના સંબંધોમાં ટેન્શન દેખાઈ રહ્યું છે. આ મામલો બંને દેશોની મિલિટરીની વચ્ચે ફસાયેલો છે. બીજિંગથી ઇસ્લામાબાદના સંરક્ષણ દળોને આધુનિક હથિયારોનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે, એ હલકી ગુણવત્તા અને ઊતરતી સર્વિસિંગ અને મરામત ખર્ચ ઊંચો હોવાથી પાકિસ્તાની આર્મી નારાજ છે.
અલ માયાદીન એક બ્લોગમાં લખે છે કે નિસાર અહમદ કહે છે કે ચીન અને પાકિસ્તાન એકમેકના કબજાવાળાં અથવા વિવાદિત ક્ષેત્રોમાં એકબીજાને ટેકો આપ્યા કરે છે અને પ્રશંસા કરે છે. તેમના જણાવ્યા મુજબ ચીન-પાકના સંબંધમાં ચીનના ચેંગદુ એરક્રાફ્ટ ઇન્ડસ્ટ્રી ગ્રુપ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા અને ચીન નેશનલ એરો-ટેક્નોલોજી ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કોર્પોરેશન (CATIC) દ્વારા વેચવામાં આવેલાં ત્રણ સશસ્ત્ર ડ્રોનને જાન્યુઆરી, 2021માં પાકિસ્તાન એર ફોર્સમાં સામેલ કરવામાં આવ્યાં હતાં.
જોકે તેમણે એ પણ જણાવ્યું હતું કે માનવ રહિત લડાકુ હવાઈ વાહનો (UCAV)ની ખરીદી પછી સંબંધોમાં ટેન્શન આવી ગયું હતું.પ્રાપ્ત માહિતી અનુસાર ચીની નિર્મિત વિંગ લુંગ II માનવરહિત હવાઈ પ્રણાલીને સામેલ કર્યા પછી કેટલાક દિવસોની અંદર કેટલીક ખરાબીને કારણે એનો ઉપયોગ બંધ થયો હતો. CATIC અત્યાર સુધી ગ્રાઇન્ડેડ ડ્રોનની મરામત માટે તમામ સંપર્કો કરવા છતાં સહયોગ નથી કરતા. ગ્રાઉન્ડેડ હવાઈ વાહનોને ટૂંક સમયમાં ચાલુ કરવા માટે પાકિસ્તાન મોકલવામાં આવેલા એન્જિનિયરોએ એને નકામાં થઈ ગયાં હોવાનું જણાવ્યું હતું.