ચીન 3-અવકાશયાત્રીઓને છ-મહિના માટે અવકાશમાં રહેવા મોકલશે

બીજિંગઃ છેલ્લા અમુક વર્ષોમાં અવકાશ સંશોધન ક્ષેત્રે ઝડપથી પ્રગતિ થઈ છે. ઘણા દેશો નવી નવી સિદ્ધિ હાંસલ કરવા માટે જાણે હરીફાઈમાં ઉતર્યા છે. ચીન એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. તેણે પોતાના સ્પેસ સ્ટેશનમાં રહેવા માટે છ મહિના રહેવા માટે એના ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

ચીનનું આ સૌથી લાંબી મુદતવાળું માનવસહિત સ્પેસ મિશન બનશે. ચીનનું શેન્ઝૂ-13 અવકાશયાન 3 અવકાશયાત્રીને લઈને આવતા શનિવારે વહેલી સવારે અવકાશ ભણી રવાના થશે. આ અવકાશયાનને ચીનના વાયવ્ય ખૂણે આવેલા ગોબી રણના છેડે આવેલા જિયૂકાન સેટેલાઈટ લોન્ચ સેન્ટરમાંથી લોન્ગ માર્ચ-2F રોકેટ દ્વારા અવકાશમાં મોકલી ભ્રમણકક્ષામાં સ્થિર મૂકવામાં આવશે.  આ નવા મિશન પર જનાર 3 અવકાશયાત્રીઓમાં એક મહિલા છે – 41 વર્ષીય વાંગ યાપિંગ. અન્ય બે પુરુષ છે – પાઈલટ ઝાઈ ઝિગાંગ (55) અને યે ગુવાંફુ (41). ગુવાંફુની આ પહેલી જ અવકાશયાત્રા છે.