ઈસ્લામાબાદઃ બ્રિટનમાં આશરે 15 વર્ષ પહેલા એક મહિલા પોલીસ અધિકારીની હત્યા કરીને ભાગેલા પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. બ્રિટિશ પોલીસ અધિકારી શેરોન બેશેનિવસ્કીની વર્ષ 2005 માં બ્રૈડફોર્ડ શહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જ્યારે તે લૂટની સૂચના મળતા ઘટના સ્થળ પર પહોંચી હતી. આ મામલે કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પાકિસ્તાની નાગરિક પિરાન ડિટ્ટા ખાન બ્રિટન છોડીને નાસી ગયો હતો.
પિરાનને ઈસ્લામાબાદની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે પાકિસ્તાન અને બ્રિટનના અધિકારીઓના સહયોગથી આ ધરપકડ શક્ય બની છે. આ મામલો બ્રિટિશ ટ્રાવેલ એજન્સીમાં લૂંટ સાથે જોડાયેલો હતો. લૂંટની સૂચના મળતા જ ઘટના સ્થળે પહોંચેલી શેરોનની લૂંટારુઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
આ લૂંટારુઓની ટીમનો જ એક સભ્ય પિરાન બ્રિટન છોડીને નાસી ગયો હતો. બ્રિટિશ પોલીસે તેના પર 20 હજાર પાઉન્ડ (આશરે 18 લાખ રુપિયા) નું ઈનામ રાખ્યું હતું. બ્રિટને પાકિસ્તાનને ઘણીવાર તેની ધરપકડ માટે આગ્રહ કર્યો હતો. વેસ્ટ યોર્કશાયર પોલીસે પાકિસ્તાનમાં પિરાન ડિટ્ટા ખાનની ધરપકડ કરી હોવાની વાતની પુષ્ટી કરી છે.