ટ્રેડવોરમાં ધોવાયું ચીન: 30 વર્ષની સૌથી ઓછી ગતિએ વધ્યો જીડીપી

બેઈજિંગ: અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા ટ્રેડ વોરને પગલે ચીનને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ચીનમાં ગ્રાહક માંગ ઘટી ગઈ, જેને પગલે 2019માં જીડીપીની રફતાર છેલ્લા ત્રણ દાયકાના સૌથી નિચલા સ્તર પર પહોંચી ગઈ છે. 30 વર્ષમાં પ્રથમ વખત ચીનનો જીડીપી માત્ર 6.1 ટકાની ગતિએ આગળ વધ્યો છે.

શુક્રવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર, વર્ષ 2019માં જીડીપીનો દર 2018ના 6.6 ટકાથી પણ નીચે આવી ગયો, જે 1990 પછીનો સૌથી ન્યૂનતમ સ્તર છે. ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થયેલા ત્રિમાસિકગાળા માટે ગ્રોથની રફતાર 6 ટકા પર રહી છે.

ચીનના ટ્રેડ સરપ્લસ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા હિતોને લઈને ચીન અને અમેરિકા વચ્ચે લડાઈમાં અમેરિકાએ ટેરિફ વધારી દીધું હતું, જેના કારણે ચીની નિકાસકારો પર અસર પડી છે. જોકે, સમગ્ર ચીની ઈકોનોમી પર અનુમાન કરતા ઓછી અસર પડી છે.

આ સપ્તાહે ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર પર વિરામ લે તેવા સંકેતો મળી રહ્યા છે અને બંને દેશોએ પહેલા ફેઝની ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. જેના હેઠળ અમેરિકા દ્વારા વધારાની ટેરિફ વૃદ્ધિને કેન્સલ કરવા અને ચીન દ્વારા અમેરિકન ફાર્મ એક્સપોર્ટની ખરીદારી પર સહમતિ બની છે. બંને તરફથી પહેલાથી લાગુ ટેરિફ વૃદ્ધિમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

2019 માટે વિકાસ દર ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટીના અધિકારીક ટાર્ગેટ રેન્જમાં તો છે, પણ નીચેની તરફ. ટાર્ગેટ 6-6.5 ટકા રાખવામાં આવ્યો હતો, જે ડિસેમ્બરમાં પૂર્ણ થયેલા ત્રિમાસિકમાં 6 ટકા નોંધાઈ છે. વર્ષ 2019માં ગ્રાહક ખર્ચ, રોકાણ અને ફેક્ટ્રી આઉટપુટ, તમામ નબળા પડયા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]