નિર્ભયાના દોષિતો પૈકી એકની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

નવી દિલ્હીઃ નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યાકાંડના ચારેય દોષિતો પૈકી એક મુકેશ સિંહની દયા અરજીને રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. ગૃહ મંત્રાલયે નિર્ભયા કેસમાં ચારેય આરોપીઓમાંથી એક મુકેશ સિંહની દયા અરજીને ગુરુવાર રાતે રાષ્ટ્રપતિ પાસે મોકલી મોકલી હતી. મુકેશે સુપ્રીમ કોર્ટે ક્યૂરેટિવ પિટીશન ફગાવ્યા બાદ રાષ્ટ્રપતિને દયા અરજી મોકલી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2016માં મુકેશ સહિત ચાર દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. હવે મુકેશ માટે તમામ કાયદાકીય વિકલ્પો પૂરા થઈ ગયા છે.

પટિયાલા હાઉસ કોર્ટે 7 જાન્યુઆરીએ નિર્ભયા કેસના ચારેય દોષિતો મુકેશ સિંહ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુર વિરૂદ્ધ ડેથ વોરંટ જાહેર કરતા તમામને 22મી જાન્યુઆરીએ ફાંસીની સજા આપવાનો હુમલ કર્યો હતો. જોકે દોષિતો પાસે રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરવાનો છેલ્લો વિકલ્પ બાકી હતો. મુકેશે દયાની અરજી કરી હતી જેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે.

મુકેશે દયા અરજીનો હવાલો આપીને ટ્રાયલ કોર્ટ પાસે 22 જાન્યુઆરીએ ડેથ વોરંટ રદ કરવાની માંગ કરી છે. ટ્રાયલ કોર્ટે તિહાર તંત્ર પાસે આરોપીઓને નક્કી કરેલી તારીખે ફાંસી આપવાની સ્થિતિ અંગે શુક્રવાર સુધી રિપોર્ટ દાખલ કરાવવા માટે કહ્યું હતું. જોકે અન્ય ત્રણ દોષિતો પાસે હજી રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી કરવાનો વિકલ્પ ખુલો છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દયાની અરજી ફગાવી હતી. પરંતુ દોષિતોને થઈ રહેલા વિલંબને લઈને પીડિતાની માતા આશા દેવીએ કહ્યું હતું કે, અત્યાર સુધી મેં ક્યારેય પણ રાજકારણની વાત નથી કરી પણ આજે કહેવા માંગું છું કે, જે લોકો 2012માં રસ્તા પર ઉતર્યા હતા, આજે એ જ લોકો મારી દીકરીના મોત પર રાજકીય ફાયદા માટે રમત રમી રહ્યા છે.