ઇસ્લામાબાદઃ પાકિસ્તાની સરકારે ક્રિકેટરથી રાજકારણી બનેલા નવજોત સિંહ સિદ્ધુને કરતારપુર કોરિડોર ખોલવાની ભૂમિકા નિભાવવા માટે અભિનંદન પાઠવ્યાં હતાં. kartarpurcorridor.com વેબસાઇટ પર પંજાબ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષે લખ્યું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાને ઇમરાન ખાને સિદ્ધુની સાથેનો પ્રસ્તાવ શેર કર્યો હતો.
ઇમરાન ખાન અને સિદ્ધુનો સંબંધ 2018માં સામે આવ્યો હતો, જ્યારે સિદ્ધુ પાકિસ્તાનના વડા પ્રદાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા હતા. જોકે સિદ્ધુ પાકિસ્તાનના કરતારપુર સાહિબ ગુરુદ્વારામાં શ્રદ્ધાંજલિ આપવા ગયેલા જત્થામાં સામેલ નહોતા. સિદ્ધુએ કહ્યું હતું કે મંગળવારે પ્રાર્થના કરવા માટે પાકિસ્તાનના પ્રસિદ્ધ ગુરુદ્વારે યાત્રા માટે અરજી દાખલ કરી હતી. જોકે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને કરતારપુર સાહિબ જવાની મંજૂરી નહોતી મળી. જોકે સિદ્ધુ 20 નવેમ્બરે કરતારપુર સાહિબ જઈને દર્શન કરી શકશે. ભારતે બુધવારે કરતારપુર કોરિડોર ફરીથી ખોલવાની ઘોષણા કરી હતી.
પંજાબના મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્ની અને તેમના 14 પ્રધાનો કરતારપુર સાહિબ ગુરુદ્વારની મુલાકાત કરનારા જત્થાનો હિસ્સો હશે. પાકિસ્તાન એવા સમયે કરતારપુર કોરિડોર વિવાદમાં સિદ્ધુની ભૂમિકા પર ભાર આપી રહ્યું છે, જ્યારે કેન્દ્ર સરકારે એને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે.
ગૃહપ્રધાન અમિત શાહે ટ્વીટ કરીને કોરિડોરને ખોલવાના નિર્ણયની માહિતી આપી હતી. તેમણે લખ્યું હતું કે કરતારપુર સાહિબ કરોડો દેશવાસીઓની અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે અને એ કોરિડોરનું ફરીથી સંચાલન શરૂ કરવાનો નિર્ણય શીખ સમાજ પ્રત્યે મોદી સરકારની સંવેદનશીલતાને દર્શાવે છે.